<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૨

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

એક પ્રાચીન સૂફીકથા છે

એક કઠિયારો દરરોજ જંગલમાં જઈને લાકડાં કાપી લાવતો. ત્‍યાં જંગલમાં એક સૂફી ફકીર ધ્‍યાન કરવા બેસતા. તેમણે આ કઠિયારાને જોયો. તેમના મનમાં વિચાર આવ્‍યો કેઃ આ કઠિયારો જન્‍મોજન્‍મથી લાકડાં કાપતો હોય તેમ લાગે છે. તેનો જર્જરિત દેહ ઘરડો થઈ ગયો છે. આ કઠિયારાને એક વખતનું ભોજન પણ મહામુશ્‍કેલીએ મળતું હશે. સૂફીસંતે તેને કહ્યું: ‘જો, તું આ જંગલમાં દરરોજ આવે છે પરંતુ તને અહીંની કંઈ જ ખબર નથી. તું જંગલમાં થોડો આગળ જા. કઠિયારાએ કહ્યું: ‘જંગલમાં આગળ શું છે?' સંતે કહ્યું: ‘તું થોડો આગળ જા ત્‍યાં તને એક ખાણ મળશે.' કઠિયારો જંગલમાં આગળ ગયો. ત્‍યાં તેને એક તાંબાની ખાણ દેખાણી. તે ખૂબ નવાઈ પામ્‍યો. તેને થયું: હું તો અહીં દરરોજ આવતો હતો પરંતુ આગળ ન વધ્‍યો. બસ, લાકડાં કાપીને નીકળી જતો. થોડોક જ આગળ વધ્‍યો હોત તો આ ખાણ દેખાત.

કઠિયારાએ ખાણમાંથી તાંબુ કાઢયું. લાકડાં વેચવાથી તેને એક વખતનું ભોજન મળતું પરંતુ એક વખત તાંબુ વેચવાથી એટલા પૈસા મળ્‍યા કે મહિના માટે ભોજનની વ્‍યવસ્‍થા થઈ ગઈ. કઠિયારો જ્‍યારે ફરીથી જંગલમાં આવ્‍યો ત્‍યારે સંતે કહ્યું: ‘જો ત્‍યાં અટકી નહીં જતો, થોડો વધુ આગળ જા.'કઠિયારાએ કહ્યું: ‘હવે આગળ જઈને શું કરું? સંતે કહ્યું: ‘તું જા તો ખરો! મારી વાત સાંભળ, મારી શિખામણ માન. મને આ સમસ્‍ત જંગલની જાણ છે. કઠિયારો થોડો વધુ આગળ વધ્‍યો અને તેને ચાંદીની ખાણ મળી. તેણે વિચાર્યું: હું પણ કેવો પાગલ હતો. જો સંતની વાત ન માની હોત તો તાંબાની ખાણ પર જ અટકી ગયો હોત. તેણે ચાંદી વેચી તો તેને વર્ષ માટેનું ભોજન મળી ગયું. હવે તે ખૂબ ખુશ હતો. એક દિવસ ફરીથી જ્‍યારે તે જંગલમાં આવ્‍યો ત્‍યારે સંતે કહ્યું: બહુ ખુશ ન થા. હજુ થોડો આગળ વધ! કઠિયારાએ કહ્યું: ‘હવે જવા દો, હવે મને કયાંય આગળ વધવાનું ન કહો. આટલું મળ્‍યું તે પર્યાપ્ત છે. ઘણું મળ્‍યું છે. સંતે કહ્યું: જેવી તારી મરજી! પરંતુ પછી તું પસ્‍તાઈશ.' કઠિયારાના મનમાં આ વાત ચોંટી ગઈ. તે જંગલમાં થોડો વધુ આગળ ગયો તો તેને સોનાની ખાણ મળી. હવે તો એક વખત સોનું લઈ જાય તો જન્‍મભર સુધી ચાલે. હવે તો કઠિયારાએ જંગલમાં આવવાનું જ બંધ કરી દીધું. એક દિવસ સંત તેના ઘરે પહોંચ્‍યા અને કહ્યું: પાગલ! જંગલમાં હું તારી રાહ જોઉં છું. હજુ થોડું આગળ વધવાનું છે. કઠિયારાએ કહ્યું: હવે એ વાત જવા દો. હવે તમે મને લલચાવો નહીં.

 સંતે કહ્યું: ‘તું તારા પાછલા અનુભવો પરથી તો કંઈક શીખ. જેટલો આગળ વધ્‍યો તેટલું તને મળ્‍યું. હજુ થોડો આગળ જા. કઠિયારો તે રાતે સૂઈ ન શકયો. કેટલીયે વાર તેણે વિચાર્યું: હવે આગળ વધવામાં સાર શો? આગળ હવે શું હોઈ શકે? સોનાની ખાણ મળી ગઈ, આ તો અંતિમ વાત થઈ ગઈ. પરંતુ આખી રાત તેને ઊંઘ ન આવી. તેને થયું સંતની વાતમાં કોઈ રહસ્‍ય હોય. કદાચ આગળ કંઈ હોય પણ ખરું કઠિયારો જંગલમાં આગળ વધ્‍યો અને તેને હીરાની ખાણ મળી. કઠિયારાએ વિચાર્યું: જો આગળ ન વધ્‍યો હોત તો ખૂબ ખોટું થાત. કઠિયારો હવે તો એક વખત હીરા કાઢીને લઈ ગયો તે તેના માટે જન્‍મોજન્‍મ સુધી ચાલે તેટલા હતા. હવે તો ઘણા લાંબા સમય સુધી તે જંગલ તરફ ફરકયો નહીં. સંત તેના ઘરે જતા ત્‍યારે ત્‍યાં પણ મળતો નહિ. હવે તો કયારેક હૉટલમાં કયારેક સિનેમાઘરમાં... હવે તો તે મોજશોખમાં ગળાડૂબ રહેવા લાગ્‍યો હતો. સંત તેને શોધતા રહેતા પરંતુ તે કયાંય દેખાતો નહીં.

એક દિવસ વેશ્‍યાલયમાં જતો હતો ત્‍યાં સંતે તેને અટકાવ્‍યો અને કહ્યું: અરે પાગલ, શું તું અહીં જ અટકી જઈશ? જંગલમાં હજુ આગળ વધવાનું છે. કઠિયારો બોલ્‍યોઃ હવે મને ક્ષમા કરો! હું ખુશ છું. હવે મને કોઈ વાતમાં ન સંડોવો.'સંતે કહ્યું: એક વખત મારી વાત માની લે. અહીં અટકી ન જા.' કઠિયારો જંગલમાં વધુ આગળ ગયો. હવે તમે જ વિચારો આગળ તેને શું મળ્‍યું હશે? જંગલમાં આગળ તેને સંત મળ્‍યા; સંત ધ્‍યાનસ્‍થ બેઠા હતા. કઠિયારાએ પૂછયું: મને તો અહીં હવે કંઈ જ દેખાતું નથી. કોઈ ખાણ નજરે પડતી નથી.' સંતે કહ્યું: અહીં ખાણ આંતરિક છે. હવે તું મારી પાસે બેસી જા. હવે જરા આંખ બંધ કર અને શાંત થઈને બેસ! હવે અહીં ધ્‍યાનની ખાણ છે. પાગલ, હવે તને અહીં પરમાત્‍મા મળશે. બાહ્ય જગતમાં ખૂબ રાચ્‍યો હવે અંતરમાં ખોદ!  જીવનમાં સતત આગળ વધવાનું છે. કયાંય અટકવાનું નથી. ધન પછી ધ્‍યાન છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:44 AM IST)