પ્રભાસ પાટણમાં ધાર્મિક સ્થળ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરતી વખતે ભડકો : ટોળાનો પોલીસ પર જોરદાર પથ્થરમારો : PI સહિત બે પોલીસકર્મી ઘાયલ
સોમનાથ મંદિર નજીક શંખ સર્કલ પાસે સવારે ૧૦ વાગ્યાથી ડિમોલિશન શરૂ : સાંજે ૬ વાગ્યે ધાર્મિક સ્થળ તોડાતા સ્થિતિ વણસી : પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના ૩ શેલ છોડીને પરિસ્થિતિ કાબૂમાં લીધી - એસ.પી. જયદીપસિંહ જાડેજાની માહિતી : બસ સ્ટેન્ડ બનાવવા માટે જગ્યા ખાલી કરાવાઈ હોવાની વિગત

ગીર સોમનાથ (દીપક કક્કડ અહેવાલ) : ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પ્રભાસ પાટણ વિસ્તારમાં આજે સોમવારે સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન ગંભીર સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ હતી. શંખ સર્કલ/ગૂડલક સર્કલ પાસે ધાર્મિક સ્થળ સહિત દુકાનો અને મકાનોના દબાણો હટાવતી વખતે ટોળાએ પોલીસ પર જોરદાર પથ્થરમારો કરતાં ભારે દોડધામ મચી ગઈ હતી.
સંઘર્ષ અને પોલીસ કાર્યવાહી
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સવારે ૧૦ વાગ્યાથી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમનાથ મંદિર નજીક આવેલી સરકારી જગ્યામાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દબાણોમાં ગેરકાયદેસર મકાનો, દુકાનો તેમજ એક ધાર્મિક સ્થળનો સમાવેશ થતો હતો.
* સાંજે ૬ વાગ્યાની આસપાસ જ્યારે ધાર્મિક સ્થળ તોડવાની કામગીરી ચાલુ હતી, ત્યારે મહિલાઓ સહિતના લોકોનું એકઠું થયેલું ટોળું અચાનક બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓ ઉપર તૂટી પડ્યું હતું અને પથ્થરમારો શરૂ કર્યો હતો.
* પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટીયરગેસના ત્રણ શેલ છોડવામાં આવ્યા હતા. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું.
પોલીસ અધિકારીઓ ઘાયલ
આ પથ્થરમારાની ઘટનામાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. વી. પટેલ તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ પરમારને સામાન્ય ઈજાઓ થતાં તેમને પ્રભાસ પાટણના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સારવાર લેવી પડી હતી.
એસ.પી. દ્વારા શાંતિની અપીલ
એસ.પી. જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ધાર્મિક દબાણ સહિત તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે અને પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી ચાલુ છે.
* તેમણે ખાતરી આપી હતી કે હાલમાં સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં છે.
* બજારો પૂર્વવત ધમધમે છે અને વાહન વ્યવહાર તેમજ યાત્રીકોની આવન-જાવન પણ ચાલુ છે.
* એસ.પી.એ લોકોને કોઈ પણ અફવાઓથી ગભરાવું નહીં તેવી અપીલ કરી હતી અને અફવા ફેલાવતા તત્ત્વોની જાણ નજીકના પોલીસ સ્ટેશન કે કંટ્રોલ રૂમમાં કરવા જણાવ્યું હતું.
* સ્થળ પર સોમનાથ સુરક્ષા, મરીન પોલીસ સ્ટેશન, વેરાવળ એલસીબી, એસઓજી તેમજ સિટી પોલીસ સ્ટેશનનો વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળેલી વિગત મુજબ, જે જગ્યા પર આ દબાણો હતા ત્યાં સૌથી મોટું બસ સ્ટેન્ડ બનાવવાનું આયોજન છે અને ટૂંક સમયમાં તેનું ભૂમિપૂજન થવાનું હોવાથી આ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
