<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

ભારત સાથે 'ખૂબ જ અલગ' અને 'વાજબી' વેપાર સોદો કરવા જઈ રહ્યા છીએ, જે ભૂતકાળમાં થયેલા સોદાઓ કરતાં તદ્દન ભિન્ન હશે: ડોનાલ્ડ ટ્રમ્પની સૂચક જાહેરાત

ટ્રમ્પે પોતાના આગવા અંદાજમાં કહ્યું, કે અત્યારે, તેઓ (ભારત) મને પ્રેમ નથી કરતા, પરંતુ તેઓ અમને ફરીથી પ્રેમ કરશે: અમે એક વાજબી સોદો કરી રહ્યા છીએ: અમારી સાથે પહેલા ખૂબ જ અન્યાયી વેપાર સોદા હતા! : આ નવા વેપાર સોદાનો ઉદ્દેશ્ય ભારત અમેરિકા વચ્ચેના વેપારને ૨૦૩૦ સુધીમાં ૫૦૦ અબજ ડોલર સુધી, બમણો કરવાનો છે: ટ્રમ્પે નરેન્દ્રભાઈ સાથેના તેમના "અદભૂત" સંબંધોનો પણ ફરી ઉલ્લેખ કર્યો હતો

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સોદા અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે સર્જિયો ગોરના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન, ટ્રમ્પે જણાવ્યું કે તેઓ ભારત સાથે એક "ખૂબ જ અલગ" અને "વાજબી" વેપાર સોદો કરવા જઈ રહ્યા છે, જે ભૂતકાળમાં થયેલા સોદાઓ કરતાં તદ્દન ભિન્ન હશે.

 

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના આગવા અંદાજમાં કહ્યું, "અમે ભારત સાથે એક ડીલ કરી રહ્યા છીએ... અત્યારે, તેઓ (ભારત) મને પ્રેમ નથી કરતા, પરંતુ તેઓ અમને ફરીથી પ્રેમ કરશે. અમે એક વાજબી સોદો મેળવી રહ્યા છીએ. અમારી પાસે પહેલા ખૂબ જ અન્યાયી વેપાર સોદા હતા."

 

ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો કે તેઓ ભારત પર લાદવામાં આવેલી ઊંચી ટેરિફ (જકાત) ઘટાડવા પર વિચાર કરી રહ્યા છે, જેને તેમણે ભારતના રશિયન તેલની ખરીદી સાથે જોડ્યું હતું. તેમણે કહ્યું, "અમે ટેરિફ નીચે લાવીશું." 

 

અહેવાલો અનુસાર, આ નવા વેપાર સોદાનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપારને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ અબજ ડોલર સુધી બમણો કરવાનો છે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના "અદભૂત" સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

(11:03 AM IST)