<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

ઇસ્‍લામાબાદ હાઇકોર્ટ બહાર કાર બોમ્‍બ વિસ્‍ફોટ, ૬નાં મોત; ૨૫ જેટલા ઘાયલ

પોલીસે વિસ્‍તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી; મૃતકોમાં વકીલો અને સામાન્‍ય નાગરિકોનો સમાવેશ

ઇસ્‍લામાબાદ, તા. ૧૧ : પાકિસ્‍તાનની રાજધાની ઇસ્‍લામાબાદ આજે ફરી એકવાર શક્‍તિશાળી બોમ્‍બ વિસ્‍ફોટથી ધણધણી ઉઠી હતી. મંગળવારે બપોરે આશરે ૧૨:૩૦ વાગ્‍યે ઇસ્‍લામાબાદ હાઇકોર્ટ (ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ) પરિસરની બહાર પાર્કિંગ વિસ્‍તારમાં થયેલા એક ભયાનક કાર બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને ૨૦થી ૨૫ લોકો ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિસ્‍ફોટકો એક કારમાં છુપાવવામાં આવ્‍યા હતા અને કોર્ટના પ્રવેશદ્વાર પાસે તેમાં વિસ્‍ફોટ કરવામાં આવ્‍યો હતો. આ એવો સમય હતો જ્‍યારે કોર્ટ પરિસરમાં વકીલો, તેમના અસીલો અને સામાન્‍ય નાગરિકોની ભારે ભીડ હોય છે.વિસ્‍ફોટ એટલો શક્‍તિશાળી હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો. આસપાસ પાર્ક કરેલા અન્‍ય વાહનોને પણ ગંભીર નુકસાન થયું હતું અને નજીકની ઇમારતોના કાચ તૂટી ગયા હતા. ઘટનાસ્‍થળના દ્રશ્‍યોમાં અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્‍યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટુકડીઓ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્‍પિટલોમાં ખસેડવામાં આવ્‍યા છે, જ્‍યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે, જેના કારણે મૃત્‍યુઆંક વધવાની આશંકા છે.સુરક્ષા દળોએ સમગ્ર વિસ્‍તારને કોર્ડન કરી લીધો છે અને ફોરેન્‍સિક ટીમોએ પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. હજુ સુધી કોઇ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્‍વીકારી નથી.

(3:19 PM IST)