<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

સમ્રાટ રાણાએ રચ્યો ઇતિહાસ! કૈરોમાં ભારતનો ડંકો, ગોલ્ડ સાથે મેડલ ટેલી નવ પર પહોંચી!

યુવા શૂટરે 10 મીટર એર પિસ્તોલમાં વ્યક્તિગત વર્લ્ડ ટાઇટલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું, વરુણ તોમરે પણ બ્રોન્ઝ મેળવ્યો.

કૈરો, 11 નવેમ્બર: શૂટિંગની દુનિયામાં ભારતના યુવા ખેલાડી સમ્રાટ રાણાએ ગઈકાલે કૈરોમાં યોજાયેલી ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10-મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને એક સુવર્ણ ઇતિહાસ રચ્યો છે. રાણા વ્યક્તિગત એર પિસ્તોલ વર્લ્ડ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે, જે ભારતીય શૂટિંગ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે.

રોમાંચક ફાઇનલમાં, રાણાએ 243.7નો શાનદાર સ્કોર નોંધાવીને ચીનના હુ કાઈને માત્ર 0.4 પોઈન્ટના નજીવા અંતરથી હરાવ્યો હતો. આ સિદ્ધિની મજા ત્યારે બમણી થઈ ગઈ જ્યારે રાણાના દેશબંધુ વરુણ તોમરે બ્રોન્ઝ મેડલ જીત્યો, જેનાથી ભારતે એક જ ઇવેન્ટમાં ડબલ પોડિયમ પર કબજો કર્યો. આ બંને શૂટર્સ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 586 પોઈન્ટ સાથે ટોચ પર રહ્યા હતા. 22 વર્ષીય સમ્રાટ રાણાએ વરુણ તોમર અને શર્વણ કુમારની સાથે મળીને પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.

આ જીત સાથે, રાણા ઓલિમ્પિક ઇવેન્ટમાં વર્લ્ડ ટાઇટલ જીતનાર અભિનવ બિન્દ્રા, રુદ્રાંકશ પાટિલ, તેજસ્વિની સાવંત અને શિવ નરવાલ-એશા સિંહની મિશ્ર ટીમની યાદીમાં જોડાનારો માત્ર પાંચમો ભારતીય શૂટર બન્યો છે.

બીજી તરફ, મનુ ભાકર વ્યક્તિગત મેડલ જીતવાથી ચૂકી ગઈ, પરંતુ તે એશા સિંહ અને સુરુચી સિંહ સાથે મળીને મહિલા ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી. ગઈકાલે જીતેલા ચાર મેડલ સાથે, કૈરો ચેમ્પિયનશિપમાં ભારતનો મેડલ ટેલી વધીને નવ (ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ) પર પહોંચ્યો છે, જે ચીનના 12 મેડલ પછી બીજા ક્રમે છે. ભારતીય શૂટર્સે દેશનું નામ રોશન કરીને ટૂર્નામેન્ટમાં દબદબો જાળવી રાખ્યો છે.

 

(4:03 PM IST)