News of Tuesday, 11th November 2025
આંતરરાષ્ટ્રીય જોડાણ મજબૂત: ઈન્ડિગોએ દિલ્હી-ગુઆંગઝુ માટે દૈનિક સીધી ફ્લાઈટ્સ શરૂ કરી!
લાંબા રાજદ્વારી પ્રયાસો બાદ હવાઈ સંપર્ક પુનઃસ્થાપિત; દિલ્હી હવે ચીની શહેર સાથે જોડાતું ભારતનું બીજું શહેર બન્યું

નવી દિલ્હી: કોરોનાવાયરસ મહામારી અને સરહદી મુદ્દાઓને કારણે 2020ની શરૂઆતથી સ્થગિત થયેલા ભારત અને ચીન વચ્ચેના હવાઈ જોડાણો હવે ફરી પાટા પર ચડી રહ્યા છે. આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં, અગ્રણી એરલાઇન ઈન્ડિગો (IndiGo) એ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી ચીનના ગુઆંગઝુ શહેર માટે દૈનિક, નોન-સ્ટોપ ફ્લાઇટ્સ શરૂ કરી છે.
મંગળવારે જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ઈન્ડિગોએ 10 નવેમ્બરથી આ સેવાઓ શરૂ કરી દીધી છે, જે નેરો-બોડી A320 નિયો એરક્રાફ્ટ દ્વારા સંચાલિત થશે. ઈન્ડિગો માટે, દિલ્હી હવે કોલકાતા પછીનું બીજું ભારતીય શહેર બન્યું છે જે ગુઆંગઝુ સાથે સીધી ફ્લાઇટ્સ દ્વારા જોડાયું છે. આ નવી ફ્લાઇટ સાથે, ઈન્ડિગો હવે દિલ્હીને કુલ 21 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડે છે.
નોંધનીય છે કે, તાજેતરની રાજદ્વારી પહેલોને પગલે ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ઈન્ડિગોએ 26 ઑક્ટોબરે કોલકાતા-ગુઆંગઝુ ફ્લાઇટ્સ પણ ફરી શરૂ કરી હતી. આ ઉપરાંત, ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સે પણ 9 નવેમ્બરના રોજ દિલ્હી-શાંઘાઈ સીધી ફ્લાઇટ્સ શરૂ કરી છે, જે બંને દેશો વચ્ચેના પ્રવાસ અને વેપાર સંબંધોને પુનર્જીવિત કરવાના પ્રયાસો દર્શાવે છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
