<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

મારી વફાદારી અમેરિકા સાથે છેઃ ભારતીય મૂળના નિક્કી હેલીના પુત્ર નલિન હેલીએ H-1B વિઝા ખત્‍મ કરવા માંગ કરતા ભારે વિવાદ

જે દેશના ઈમિગ્રન્‍ટસના પુત્ર હોવા પર નિક્કી હેલી ગર્વ અનુભવે છે, તે જ પુત્ર હવે અન્‍ય કુશળ ઈમિગ્રન્‍ટસ માટે દરવાજા બંધ કરવાની વાત કરે છે

નવી દિલ્‍હી/વોશિંગ્‍ટન, તા.૧૨: અમેરિકાના અગ્રણી ભારતીય મૂળના રાજનેતા, અને યુનો ખાતે અમેરિકાના પૂર્વ એલચી નિક્કી હેલીના પુત્ર નલિન હેલીએ એક વિવાદાસ્‍પદ નિવેદન આપ્‍યું છે. તેણે અમેરિકામાં કુશળ વિદેશી કામદારોને અપાતા એચ-૧બી વિઝા કાર્યક્રમને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની હાકલ કરી છે.

નલિને ભારપૂર્વક કહ્યું કે, મારી વફાદારી અમેરિકાને છે. આ નિવેદનથી મોટો વિવાદ ઉભો થયો છે, કારણ કે એચ-૧બી વિઝાનો સૌથી મોટો લાભ ભારતીય પ્રોફેશનલ્‍સ જ ઉઠાવે છે.

અમેરિકામાં ઇમિગ્રેશનનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે, પરંતુ આ વખતે આ મુદ્દે એક ભારતીય મૂળના યુવાને જ એવી ટિપ્‍પણી કરી છે, જેનાથી મોટો વિવાદ સર્જાયો છે. સાઉથ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર અને સંયુક્‍ત રાષ્‍ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીના પુત્ર નલિન હેલીએ અમેરિકાના લોકપ્રિય એચ-૧બી વિઝા કાર્યક્રમને બંધ કરવાની જોરદાર માંગ કરી છે.

અંગ્રેજી અખબાર હિન્‍દુસ્‍તાન ટાઇમ્‍સ અને અન્‍ય ડિજિટલ મીડિયા અહેવાલો અનુસાર, નલિન હેલીએ ઇમિગ્રેશન અંગે પોતાના વિચારો રજૂ કરતા સ્‍પષ્ટપણે જણાવ્‍યું હતું કે, મારી વફાદારી અમેરિકાને છે. આ નિવેદન સાથે, તેણે એચ-૧બી વિઝા સિસ્‍ટમ્‍સને નિશાન બનાવી, જેનો ઉપયોગ અમેરિકન કંપનીઓ અન્‍ય દેશોમાંથી કુશળ પ્રતિભાઓને નોકરી પર રાખવા માટે કરે છે.

નલિન હેલીનું આ નિવેદન સામે આવતાની સાથે જ એક્‍સ, ફેસબુક અને ઇન્‍સ્‍ટાગ્રામ સહિતના ડિજિટલ મીડિયા પ્‍લેટફોર્મ પર તેની આકરી ટીકા શરૂ થઈ ગઈ છે. ઘણા વપરાશકર્તાઓ નલિનને તેના પોતાના ભારતીય વારસાની યાદ અપાવી રહ્યા છે. લોકો ટિપ્‍પણી કરી રહ્યા છે કે જે દેશના ઇમિગ્રન્‍ટ્‍સના પુત્ર હોવા પર નિક્કી હેલી ગર્વ અનુભવે છે, તે જ પુત્ર હવે અન્‍ય કુશળ ઇમિગ્રન્‍ટ્‍સ માટે દરવાજા બંધ કરવાની વાત કરી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એચ-૧બી વિઝા એ અમેરિકામાં કામ કરવા માટેનો એક નોન-ઇમિગ્રન્‍ટ વિઝા છે. આ વિઝા ખાસ કરીને એવા વિદેશી કામદારોને આપવામાં આવે છે જેમની પાસે ટેક્રિકલ અથવા સૈદ્ધાંતિક કુશળતા હોય.

આ વિઝા પ્રોગ્રામનો સૌથી મોટો લાભ ભારતીય આઇટી પ્રોફેશનલ્‍સ અને એન્‍જિનિયરોને મળતો આવ્‍યો છે. દર વર્ષે હજારો ભારતીયો આ વિઝા પર અમેરિકા જઈને અમેરિકન ડ્રીમ સાકાર કરવાનો પ્રયાસ કરે છે.

નલિન હેલી દ્વારા આ વિઝાને જ સમાપ્ત કરવાની માંગને ઘણા લોકો ભારતીય પ્રતિભાઓ પર સીધો હુમલો ગણાવી રહ્યા છે. જોકે, નલિન અને તેની માતા નિક્કી હેલી ભૂતકાળમાં પણ ઇમિગ્રેશન અંગે કડક વલણ અપનાવવાની હિમાયત કરતા રહ્યા છે, પરંતુ એચ-૧બી વિઝા અંગેનું આ સીધું નિવેદન ચર્ચાનો મુખ્‍ય વિષય બન્‍યું છે.

(11:23 AM IST)