હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી,તા.૧૨: મકાન માલિક દ્વારા કરવામાં આવેલા ભાડાના દસ્તાવેજ (ભાડા કરાર) દ્વારા ભાડાના મકાનનો કબ્જો મેળવનાર ભાડુઆત ખાસ કરીને દાયકાઓ સુધી ભાડુ ચૂકવ્યા પછી પણ મકાનમાલિકની માલિકીને પડકારી શકતો નથી એમ સુપ્રીમ કોર્ટે એક બહુ મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે. જાસ્ટિસ જે.કે.મહેશ્વરી અને જાસ્ટિસ વિનોદચંદ્રનની ખંડપીઠે ભાડુઆતને વિવાદીત મિલકત ખાલી કરવા માટે છ માસનો સમય આપ્યો હતો. વધુમાં બે સપ્તાહમાં એક માસની અંદર બાકી ભાડુ(રકમ) ચૂકવવા અને છ માસની અંદર કબ્જો સોંપવા અંગે બાંહેધરી ફાઇલ કરવા પણ હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, જો ભાડુઆત દ્વારા બાંહેધરી ફાઈલ ના થાય તો મકાનમાલિક મિલકત ખાલી કરાવવા અધિકારી રહેશે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઘણા લાંબા વર્ષોથી ભાડુઆત-મકાન માલિકના વિવાદના કેસોમાં ઘણો ઉપયોગી માર્ગદર્શક બની રહેશે. સુપ્રીમકોર્ટે ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાના તારણોને પણ અયોગ્ય ઠરાવ્યા હતા.
સને ૧૯૫૩માં શરૃ થયેલા સાત દાયકા જૂના મકાનમાલિક-ભાડૂઆત વિવાદમાં નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમકોર્ટે તેના ચુકાદા મારફતે ભાડુઆતને મકાનમાલિક અથવા તેમના કાનૂની વારસદારોના ટાઈટલ પર પ્રશ્ન ઉઠાવવાથી રોકતાં અવલોકન કરતાં જણાવાયું કે, પ્રતિવાદી ભાડુઆતના પુરોગામીઓએ રામજીદાસ પાસેથી દુકાન ભાડે લીધી હતી અને તેમના મૃત્યુ પછી પણ તેમના પુત્રોને ભાડુ ચૂકવવાનું ચાલુ રાખ્યું હતું. સુપ્રીમકોર્ટે ટ્રાયલ કોર્ટ, પ્રથમ અપીલ કોર્ટ અને હાઈકોર્ટના તારણોને રદબાતલ ઠરાવ્યા હતા.
સુપ્રીમકોર્ટે સ્પષ્ટ કર્યું કે, અગાઉના મકાનમાલિક પાસેથી ભાડા કરાર થકી મિલ્કત ભાડે રાખનાર ભાડુઆત તેમની (મકાન માલિકની) માલિકીને પડકારી શકતો નથી. કેસનો વિવાદ જોઈએ તો, મકાનમાલિક અને ભાડુઆતના વારસદારો વચ્ચે વર્ષોથી વિવાદ ચાલતો હતો. મૂળ મકાનમાલિક સ્વર્ગસ્થ રામજી દાસની પૂત્રવધુએ તા.૧૨-૫-૧૯૯૯ ના રોજ વસીયતનામાના આધારે વિવાદીત દુકાનની માલિકીનો દાવો કર્યો હતો અને બાજુની દુકાનમાં ચાલી રહેલા તેમના પરિવારની મીઠાઈ અને મીઠાઈ ના વ્યવસાયને વિસ્તૃત કરવાની જરૃરિયાતના આધારે ભાડુઆતને દુકાન ખાલી કરવા જણાવ્યું હતું.
જો કે, મૂળ ભાડુઆતના પુત્રો અને પ્રતિવાદીઓએ માલિકી હકનો વિરોધ કર્યો હતો અને વસીયતનામાંમાં ચેડાનો આરોપ લગાવી બચાવ રજૂ કર્યો હતો કે, મૂળ રામજીદાસ પોતે આ જગ્યા પર કોઈ માલિકી અધિકાર ધરાવતા ન હતા. તેમનો દાવો હતો કે, મિલ્કત પર અધિકાર તેમના કાકા સુઆલાલનો હતો. ટ્રાયલ કોર્ટે મકાનમાલિક(પૂત્રવધૂ)નો દાવો તેણી માલિકી પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ ગઈ હોવાથી ફગાવી દીધો હતો. અપીલ કોર્ટ અને હાઇકોર્ટે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. જેથી પૂત્રવધુએ છેક સુપ્રીમ કોર્ટ સુધી દ્વાર ખખડાવ્યા હતા.
સુપ્રીમકોર્ટે નીચલી અદાલતોના નિષ્કર્ષને વિકૃત અને ભૌતિક પુરાવાઓથી વિપરીત ગણાવ્યા હતા. સુપ્રીમકોર્ટે વધુમાં જણાવ્યું કે, સને ૧૯૫૩માં સુઆલાલ દ્વારા રામજી દાસની તરફેણમાં કરાયેલા સંબંધિત દસ્તાવેજ, એકઝીબીટ પી-૧૮ સહિતના પુરાવાઓ ધ્યાને લેતાં પ્રસ્તુત કેસમાં રામજી દાસની મિલ્કત પરત્વે માલિકી સ્પષ્ટપણે પ્રસ્થાપિત થઈ ગઈ છે. પ્રતિવાદી ભાડુઆત અને તેમના પિતા બંને ૧૯૫૩થી રામજી દાસને ભાડુ ચૂકવી રહ્યા હતા અને તેમના મૃત્યુ પછી પણ તેમના પુત્રોને ભાડુ ચૂકવવાનું ચાલુ રાખ્યું હતું. રામજી દાસના ટાઇટલ અંગેનો વિવાદ સ્વીકારી શકાય તેમ જ નથી કારણ કે, સંબંધિત દસ્તાવેજ અને લાંબા સમયથી ચાલતી ભાડા ચૂકવણીઓ સ્પષ્ટપણે તેમની માલિકી સાબિત કરે છે.
સુપ્રીમકોર્ટે રામજી દાસના વસીયતનામાને માન્ય કરતાં વર્ષ ૨૦૧૮ના પ્રોબેટના આદેશની પણ નોંધ લીધી હતી અને જણાવ્યું કે, હાઈ કોર્ટે તેને ખોટી રીતે અવગણવામાં આવ્યું હતું. વસીયતનામા પર ફકત એટલા માટે શંકા કરવી કે વસીયતકર્તાએ તેની પત્ની માટે જોગવાઈ કરી ન હતી, તે તેની વાસ્તવિકતા પર શંકા કરવા માટેનું યોગ્ય કારણ ના હોઈ શકે. એકવાર વસીયતની ચકાસણી થઇ ગયા પછી, તેના દ્વારા મેળવેલ વાદીના દાવાએ કાનૂની માન્યતા પ્રાપ્તકરી જ કહેવાય. સુપ્રીમ કોર્ટે મકાનમાલિકની અપીલ મંજૂર કરી ભાડુઆતને છ મહિનામાં મિલ્કત ખાલી કરવા અને મકાનમાલિકને તેનો કબ્જો સોંપવા અંગે હુકમ કર્યો હતો.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM