<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

ઉજ્જૈનમાં સાધુ વેશમાં ટોળકીઓએ રસ્‍તે પસાર થતાં લોકોને લૂંટી લીધા

ફરવા જતાં હોવ તો ધ્‍યાન રાખજો...આ ગુંડાઓએ પરિવાર પાસેથી બે સોનાની વીંટી, એક પેન્‍ડલ અને ૫૦૦૦ રોકડા રૂપિયા લૂંટી લીધા

ઉજ્જૈન,તા.૧૨: મધ્‍ય પ્રદેશના ઉજ્જૈન અને શાઝાપુર જિલ્‍લામાં સાધુ વેશમાં ફરી રહેલા બદમાશોએ બે અલગ અલગ જગ્‍યાએ કાર સવાર પરિવારો સાથે લૂંટ કરી હતી. આ ઘટનાઓએ સમગ્ર માલવા વિસ્‍તારમાં સનસનાટી ફેલાવી દીધી છે. પહેલી ઘટના ઉજ્જૈન જિલ્‍લાના પંવાસા ઓવરબ્રિજ પાસે થઈ. ફરિયાદીએ પોલીસને જણાવ્‍યું કે તેઓ પોતાની પત્‍ની હિના બી અને બે બાળકો સાથે કાલિયાદેહથી ઇન્‍દોર પરત ફરી રહ્યા હતા. રાતના લગભગ ૧૧.૩૦ વાગ્‍યે છ લોકોએ, જેમાં ચાર સાધુના વેશમાં હતા, તેમણે કાર રોકી લીધી. તેમણે આશીર્વાદ આપવાનો ઇશારો કર્યો. જેવી કાર ધીમી પડી, આરોપીઓએ હુમલો કરી દીધો.

આ ગુંડાઓએ પરિવાર પાસેથી બે સોનાની વીંટી, એક પેન્‍ડલ અને ૫૦૦૦ રોકડા રૂપિયા લૂંટી લીધા. વિરોધ કરતા બદમાશોએ મારપીટ કરી અને ધમકી આપી દીધી કે જો પોલીસને જાણ કરી તો જાનથી મારી નાખીશું. આરોપી સિલ્‍વર રંગની અર્ટિગા કાર (DL-2C-AX-9959)થી ઇન્‍દોર તરફ ભાગી નીકળ્‍યા હતા. આ સાધુના વેશમાં બદમાશ કોઈ ગુનાહિત આરોપીની માફક દેખાઈ રહ્યા હતા અને તેમને લૂંટ બાદ ફુલ સ્‍પીડમાં કાર દોડાવીને ભાગી નીકળ્‍યા હતા.

બીજી ઘટના શાઝાપુર જિલ્‍લાના નેશનલ હાઈવે-૫૨ પર બાયપાસ નજીક થઈ હતી. અહીં પણ સાધુના વેશમાં ફરી રહેલા ગુંડાઓએ કાર સવાર પરિવારને રોકી આશીર્વાદ આપવાનો ઇશારો કર્યો. જ્‍યારે પરિવારે બારી ખોલી, તો તેમને ડરાવી સોનાની ચેન, વીંટી અને રોકડા રૂપિયા છીનવી લીધા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્‍યો છે. જેમાં સાધુ બનેલા યુવક રસ્‍તા પર કાર રોકતા દેખાઈ રહ્યા છે.

બંને ઘટનાઓ બાદ ઉજ્જૈન અને શાઝાપુર પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે બંને ઘટના એક જ ટોળકીની છે. હાઈવેથી અડીને આવેલા ટોલ પ્‍લાઝા અને સીસીટીવી ફૂટેજની તપાસ થઈ રહી છે. એસડીઓપી ઉજ્જૈને કહ્યું કે, આરોપીઓને શોધવા માટે આજુબાજુના જિલ્‍લામાં નાકાબંધી કરવામાં આવી રહી છે, તો વળી શાઝાપુર પોલીસે પણ શંકા વ્‍યક્‍ત કરી છે કે આ ટોળકી ઇન્‍દોર તરફ ભાગી શકે છે.

(10:16 AM IST)