News of Wednesday, 12th November 2025
બિહારમાં એનડીએ તરફી એક્ઝિટ પોલથી કોંગ્રેસમાં ભૂકંપ: ટિકિટ વહેંચણી અને વરિષ્ઠોની અવગણનાનો આરોપ લગાવી પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

બિહાર વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બનવાના અનુમાનથી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. પરિણામો પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદે ટિકિટ વહેંચણી અને વરિષ્ઠોની અવગણનાનો આરોપ લગાવીને પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
બિહારમાં વિધાનસભા ચૂંટણી માટેના તમામ તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ મંગળવારે સાંજે જાહેર થયેલા મોટાભાગના એક્ઝિટ પોલ્સે નીતીશ કુમારના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન લગાવ્યું છે. આ એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવતા જ વિપક્ષી ગઠબંધન, ખાસ કરીને કોંગ્રેસમાં હલચલ તેજ થઈ ગઈ છે.
પરિણામો આવે તે પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા, બિહાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ડૉ. શકીલ અહેમદે પક્ષની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું ફગાવી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો કે બિહાર ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં ભારોભાર અન્યાય થયો છે અને પક્ષમાં વરિષ્ઠ નેતાઓનું કોઈ સન્માન રહ્યું નથી. એક્ઝિટ પોલના તારણો બાદ શકીલ અહેમદનું રાજીનામું કોંગ્રેસ માટે એક મોટા ઝટકા સમાન માનવામાં આવે છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
