<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

ફાસ્ટેગના નિયમોમાં ૧૫ નવેમ્બરથી ફેરફાર: રોકડ ચુકવણી પર બમણો ટોલ, યુપીઆઈ પર પણ રાહત નહીં

જે વાહનોમાં માન્ય અથવા કાર્યરત ફાસ્ટેગ નહીં હોય, તેમને ટોલ પ્લાઝા પર ભારે ચાર્જ ચૂકવવો પડશે.

નવી દિલ્હી: રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનચાલકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. આગામી ૧૫ નવેમ્બર, ૨૦૨૫ થી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ફાસ્ટેગના નિયમોમાં મોટો ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યો છે. આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ પ્લાઝા પર ૧૦૦% ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો અને રોકડ વ્યવહારોને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે.
નવા નિયમ મુજબ, જે વાહનોમાં માન્ય અથવા કાર્યરત ફાસ્ટેગ નહીં હોય, તેમને ટોલ પ્લાઝા પર ભારે ચાર્જ ચૂકવવો પડશે.
નવા દરો આ પ્રમાણે રહેશે:
રોકડ ચુકવણી: જો વાહનચાલક પાસે ફાસ્ટેગ ન હોય અને તે રોકડમાં ટોલ ટેક્સ ચૂકવે છે, તો તેણે નિયત ટોલ ફી કરતાં બમણી (૨x) રકમ ચૂકવવી પડશે.
યુપીઆઈ (UPI) ચુકવણી: જો વાહનચાલક પાસે ફાસ્ટેગ નથી, પરંતુ તે યુપીઆઈ અથવા અન્ય ડિજિટલ માધ્યમથી ટોલ ચૂકવવાનું પસંદ કરે છે, તો તેણે નિયત ફી કરતાં સવા ગણી (૧.૨૫x) રકમ ચૂકવવી પડશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે સૌથી સસ્તો અને ઝડપી વિકલ્પ માત્ર માન્ય અને પર્યાપ્ત બેલેન્સ ધરાવતું ફાસ્ટેગ જ રહેશે, જેના પર સામાન્ય (૧x) દર લાગુ પડશે. આ પગલાથી ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ ઘટશે અને સમગ્ર સિસ્ટમ વધુ પારદર્શક બનશે.

(11:18 PM IST)