<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારત આવશે: સંરક્ષણ સહયોગ પર પણ ચર્ચા કરે તેવી અપેક્ષા

ફાઇટર જેટ સુખોઈ -57 માટેના સોદાને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી શકયતા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા-ભારત ફોરમનું પૂર્ણ સત્ર ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રોસકોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવશે. પુતિન પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ અંગે ક્રેમલિને પણ માહિતી આપી હતી કે પુતિન ડિસેમ્બર મહિનામાં ભારત આવશે. હવે રોસકોંગ્રેસે માહિતી આપી છે કે તેઓ 5 ડિસેમ્બરે ભારત આવશે. ભારતની તેમની મુલાકાત દરમિયાન તેઓ સંરક્ષણ સહયોગ પર પણ ચર્ચા કરે તેવી અપેક્ષા છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન, હવાઈ સંરક્ષણ પ્રણાલી- S400 અને ફાઇટર એરક્રાફ્ટ Su-57ની ખરીદી પર પણ વાતચીત થઈ શકે છે. આ પહેલા તેઓ ડિસેમ્બર 2021માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આવી સ્થિતિમાં, ભારત અને રશિયાના સંબંધોની દ્રષ્ટિએ પણ તેમની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે અમેરિકા પણ ભારત પર રશિયા પાસેથી ઓઇલ ન ખરીદવા માટે દબાણ કરી રહ્યું છે. અમેરિકા વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પર પણ નજર રાખશે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને ફોન પર વાત કરી હતી. ફોન પર થયેલી વાતચીત દરમિયાન, બંને નેતાઓએ રશિયા અને ભારત વચ્ચે સારા સંબંધો રાખવા વિશે વાત કરી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ દિલ્હીમાં ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરશે. આ સમય દરમિયાન ફાઇટર જેટ સુખોઈ -57 માટેના સોદાને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે. ભારતીય વાયુસેના તેના કાફલામાં ફાઇટર એરક્રાફ્ટની સંખ્યા વધારવાનો પ્રયાસ કરશે. HAL પાસે આ વિમાનના ઉત્પાદન માટે પહેલાથી જ જરૂરી માળખાગત સુવિધાઓ છે. આ ઉપરાંત, રશિયા આ વિમાનની ટેકનોલોજી અને સોર્સ કોડ ભારત સાથે શેર કરવા માટે પણ તૈયાર છે. તે પાકિસ્તાન સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 ખરીદવા માટે પણ તૈયાર છે .

વર્ષના અંત સુધીમાં, રશિયન શ્રમ મંત્રાલય દ્વારા સંચાલિત ક્વોટા હેઠળ સમગ્ર રશિયામાં 70,000 થી વધુ ભારતીય નાગરિકોને સત્તાવાર રીતે રોજગારી મળે તેવી અપેક્ષા છે. મોસ્કો સ્થિત ભારતીય વ્યાપાર જોડાણે આગામી ભારત-રશિયા ગતિશીલતા કરારનું સ્વાગત કર્યું છે અને આ પહેલને ભારત-રશિયા સંબંધોના વિસ્તરણમાં એક વ્યૂહાત્મક સીમાચિહ્નરૂપ ગણાવી છે.

(11:42 PM IST)