News of Thursday, 13th November 2025
ધર્મેન્દ્રની તબિયત પૂછવા માટે અમિતાભ બચ્ચન સૌથી પહેલા પહોંચ્યા: 83 વર્ષની ઉંમરે જાતે કાર ચલાવતા ચાહકો નારાજ
અમિતાભ બચ્ચને સંપૂર્ણ કાળજી લીધી હતી કે તેમની પાછળ દોડતા કોઈ ફોટોગ્રાફરને ઈજા ન થાય

મુંબઈ : ધર્મેન્દ્રના ઘરે પાછા ફરવાથી માત્ર ચાહકોને જ રાહત મળી નથી, પરંતુ સમગ્ર ઈન્ડસ્ટ્રી પણ ઘણી જ ખુશ છે. છેલ્લા કેટલાક દિવસોથી 89 વર્ષીય ધર્મેન્દ્રને વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર અગ્રણી ડોકટરોની દેખરેખ હેઠળ ચાલી રહી હતી. સલમાન ખાન, શાહરૂખ ખાન અને ગોવિંદા સહિત ઘણા સ્ટાર્સે તેમના સ્વાસ્થ્યની પૂછપરછ કરવા માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
12 નવેમ્બરના રોજ બોલિવૂડના હી-મેનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમના પરિવાર દ્વારા ઘરે લાવવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોની એક ટીમ ઘરે તેમની સંભાળ રાખી રહી છે. ઘરે પાછા ફર્યા બાદ ધર્મેન્દ્રની તબિયત પૂછવા માટે અમિતાભ બચ્ચન સૌથી પહેલા પહોંચ્યા હતા. ધર્મેન્દ્રના ઘરે બિગ બીનો મુલાકાત લેવાનો એક વિડિયો સામે આવ્યો છે, પરંતુ આ વિડિયો જોયા પછી કેટલાક ચાહકો ગુસ્સે ભરાયા છે.
બુધવારે અમિતાભ બચ્ચનનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તેઓ પાપારાઝીઓની વિશાળ ભીડ સામે પોતાની કાર ચલાવતા જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન જુહુ રોડ પર જાતે કાર ચલાવતા જોવા મળ્યા હતા જ્યારે પાપારાઝી તેમની કારનો પીછો કરી રહ્યા હતા. 83 વર્ષીય અમિતાભ બચ્ચન સાંજે 4 વાગ્યે તેમની BMWમાં રવાના થયા. જોકે અમિતાભ બચ્ચને સંપૂર્ણ કાળજી લીધી હતી કે તેમની પાછળ દોડતા કોઈ ફોટોગ્રાફરને ઈજા ન થાય જેના કારણે તેઓ શાંતિથી કાર ચલાવતા દેખાયા.
અમિતાભ બચ્ચનની ધર્મેન્દ્ર સાથેની ગાઢ મિત્રતા ચાહકોને આકર્ષી રહી છે, ત્યારે કેટલાક લોકો આ ઉંમરે બિગ બી પોતે ગાડી ચલાવી રહ્યા છે તે વાતથી નારાજ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું- તમારો ડ્રાઈવર ક્યાં છે, અમિતાભ જી? ઐશ્વર્યા, અભિષેક અને જયાજી બધા પાસે ડ્રાઈવર છે તો તમે તેને લઈને કેમ નથી નીકળતા?
અમિતાભ બચ્ચન 83 વર્ષના છે તેથી આટલી ભીડમાંથી વાહન ચલાવવાથી ચાહકો ચિંતિત છે. એક તરફ જ્યાં બિગ બી અને ધર્મેન્દ્રની સાચી મિત્રતાની ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે, તેમને સાચા દિગ્ગજ અને જય-વીરુ કહી રહ્યા છે, તો બીજી તરફ અમિતાભ બચ્ચને પ્રેમ કરતા ફેન્સ તેમને આટલી મોટી ભીડમાંથી વાહન ન ચલાવવાની સલાહ પણ આપી રહ્યા છે.
અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રએ માત્ર ફિલ્મ શોલેમાં સાથે કામ કર્યું ન હતું પરંતુ તેમની જોડી ચુપકે ચુપકે, રામ બલરામ અને નસીબ જેવી ઘણી સુપરહિટ ફિલ્મમાં પણ જોવા મળી હતી.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
