<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

જો પીએમ અને સીએમ જેલ જશે તો તેના પદ ગુમાવશે! :૧૩૦મા બંધારણીય સુધારા માટે JPC ની રચના કરાઈ

ભાજપના સાંસદ અપરાજિતા સારંગીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા :બંધારણીય સુધારા માટે JPC ની રચના: સભ્યોની યાદીમાં લોકસભાના ૨૧ અને રાજ્યસભાના ૧૦ સભ્યોનો સમાવેશ

નવી દિલ્હી :૧૩૦મા બંધારણીય સુધારા માટે જેપીસીની રચના બુધવારે કરવામાં આવી હતી. ભાજપના સાંસદ અપરાજિતા સારંગીને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાહેર કરાયેલા સભ્યોની યાદીમાં લોકસભાના ૨૧ અને રાજ્યસભાના ૧૦ સભ્યોનો સમાવેશ થાય છે. આ યાદીમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આરજેડી અને ટીએમસી જેવા વિરોધ પક્ષોના સાંસદોનો સમાવેશ થતો નથી 

   વિપક્ષી નેતાઓમાં AIMIM ના અસદુદ્દીન ઓવૈસી, NCP ના સુપ્રિયા સુલે અને અકાલી દળ (બાદલ) ના હરસિમરત કૌર બાદલનો સમાવેશ થાય છે. રાજકારણમાં નૈતિકતા અને જવાબદારી લાવવા માટે, 130મા બંધારણીય સુધારામાં જોગવાઈ છે કે જો કોઈ મંત્રી 30 દિવસની અંદર જામીન મળ્યા પછી રાજીનામું આપવામાં નિષ્ફળ જાય, તો તેને આપમેળે હટાવી દેવામાં આવશે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પક્ષોએ સતત આનો વિરોધ કર્યો છે.

  વિરોધ પક્ષોએ JPCનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સમાજવાદી પાર્ટી, TMC અને કેટલાક અન્ય પક્ષોના નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ આ JPCનો ભાગ નહીં બને. આ લોકશાહી પ્રક્રિયાને નબળી પાડવાનો પ્રયાસ છે, અને તેથી, તેઓ તેનો બહિષ્કાર કરી રહ્યા છે.

   ૧૩૦મો બંધારણીય સુધારો બિલ (૨૦૨૫) હજુ સુધી પસાર થયો નથી, પરંતુ તેને સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે અને સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યો છે. આ બિલનો ઉદ્દેશ્ય એ જોગવાઈ કરવાનો છે કે જો કોઈ વડા પ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રીને પાંચ વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગંભીર ગુના માટે સતત ૩૦ દિવસ સુધી જેલમાં રાખવામાં આવે છે, તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે.

(11:02 PM IST)