<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

દિલ્હી બ્લાસ્ટના ઘટના સ્થળથી 400 મીટર દૂર એક માનવ અંગ મળ્યું:લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બંધ કરાયું

દિગંબર જૈન લાલ મંદિરની પાછળ લાજપત રાય માર્કેટના એક ગેટ ઉપર લાગેલા શેડ પર આખો હાથ મળી આવ્યો

નવી દિલ્હી :રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક સોમવારે સાંજે થયેલા વિસ્ફોટના ત્રીજા દિવસે પણ ઘટનાસ્થળ પરથી લોકોના શરીરના અંગો મળવાનો સિલસિલો ચાલુ છે. ઘટનાસ્થળથી આશરે 350 થી 400 મીટર દૂર દિગંબર જૈન લાલ મંદિરની પાછળ લાજપત રાય માર્કેટના એક ગેટ ઉપર લાગેલા શેડ પર આખો હાથ મળી આવ્યો છે. વિસ્ફોટનું સ્થળ હજુ પણ સફેદ કપડાથી બંધ કરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનને આગામી આદેશો સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લાલ કિલ્લાની બહાર થયેલા I-20 કાર ધમાકામાં હાઈ ગ્રેડ મિલિટ્રી વિસ્ફોટકનો ઉપયોગ થયો હતો. તપાસ સાથે જોડાયેલા અધિકારીઓનું માનવું છે કે ધમાકાની તીવ્રતા જોતા આ એમોનિયમ નાઈટ્રેટ જેવા સામાન્ય વિસ્ફોટકથી શક્ય નથી. જો હાઇ ગ્રેડ મિલિટરી વિસ્ફોટકનો ઉપયોગ થયો હોવાની પુષ્ટિ થાય તો પાકિસ્તાની સેનાની સંડોવણીને પણ નકારી શકાય નહીં, તેમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ક્ષતિગ્રસ્ત કારના તમામ ભાગોને તપાસ માટે રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) માં મોકલવામાં આવ્યા છે, જ્યાં NIA, CBI અને FSL ની ફોરેન્સિક ટીમો નમૂનાઓની તપાસ કરી રહી છે. આ દરમિયાન વિસ્ફોટમાં મળેલા માનવ અંગોની ડીએનએ તપાસ દ્વારા પુષ્ટિ થઈ છે કે મૃતકોમાં ડો. ઉમરનો પણ સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું કે ડો. ઉમરે સોમવારે સાંજે લાલ કિલ્લાની બહાર હતાશામાં આત્મઘાતી હુમલો કર્યો હતો.

તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આતંકવાદીઓએ NCRના શહેરોમાં વિનાશ વેરવાનું મોટું કાવતરું ઘડ્યું હતું. આ મોડ્યુલનો હેન્ડલર પાકિસ્તાનથી તેમને સતત નિર્દેશ આપી રહ્યો હતો. તેમની લાંબા ગાળાની તૈયારી 26/11 ની જેમ એક સાથે અનેક સ્થળોએ હુમલો કરીને દિલ્હીને હચમચાવી દેવાની હતી.

26 જાન્યુઆરીએ લાલ કિલ્લો, દિવાળી દરમિયાન ઇન્ડિયા ગેટ, ગૌરી શંકર મંદિર, સરોજની નગર માર્કેટ, લાજપત નગર માર્કેટ વગેરે સ્થળોએ સીરીયલ ધમાકા કરવાની યોજના હતી. જો કે પુલવામામાં જેશના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ શરૂ કરી દીધી હતી, જેના કારણે આ યોજના અધૂરી તૈયારીને કારણે અંતિમ સમયે રદ કરવી પડી હતી.

(1:01 PM IST)