<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

બિહારના ભવિષ્યનો ફેંસલો: વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી આવતીકાલે સવારે ૮ વાગ્યાથી!

રાજ્યના ૩૮ જિલ્લામાં ૪૬ કેન્દ્રો પર ગણતરી હાથ ધરાશે; EVM અને VVPAT ને કેન્દ્રીય સુરક્ષા દળોની ૩-સ્તરીય સુરક્ષા હેઠળ રખાયા

પટના, ૧૩ નવેમ્બર, ૨૦૨૫: બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાણવાની આતુરતા હવે પૂર્ણ થવા આરે છે. વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી આવતીકાલે, શુક્રવારે સવારે ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. આ મેગા ઇવેન્ટ માટે રાજ્યના ૩૮ જિલ્લાઓમાં કુલ ૪૬ મત ગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે.

મતદાનમાં ઉપયોગમાં લેવાયેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) અને VVPAT ને અત્યંત કડક સુરક્ષા હેઠળ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને ૩-સ્તરીય બનાવવામાં આવી છે, જેમાં પરિસરની આંતરિક સુરક્ષાનું સંચાલન કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે રાજ્ય પોલીસને બાહ્ય સુરક્ષા જાળવવા માટે તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, CCTV સર્વેલન્સ અને અન્ય સુરક્ષા જોગવાઈઓ પણ અમલમાં છે, અને દરેક સ્ટ્રોંગ રૂમ કેમ્પસમાં કંટ્રોલ રૂમ સ્થાપિત કરાયો છે.

ચૂંટણી પંચે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ફોર્મ ૧૭સી અને EVM ડેટા વચ્ચે મેળ ન ખાતી હોય તેમજ જ્યાં ભૂલથી મોક પોલ ડેટા ભૂંસી નાખવામાં આવ્યો હોય, તેવા સંજોગોમાં ફરજિયાતપણે VVPAT ની ગણતરી કરવામાં આવશે, જેથી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે.

 

(4:37 PM IST)