News of Thursday, 13th November 2025
અફઘાન વિદેશ મંત્રીનો પાકિસ્તાન પર સીધો હુમલો: "તમારો બોજ અફઘાનિસ્તાન નહીં ઉઠાવે"!
તાલિબાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ પાકિસ્તાન પર હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘન અને 'અવાસ્તવિક માંગણીઓ' નો લગાવ્યો આરોપ; ત્રણ રાઉન્ડની વાટાઘાટો નિષ્ફળ

કાબુલ : અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ પાકિસ્તાન પર ગુરુવારે ઉગ્ર પ્રહારો કર્યા છે. તાજેતરમાં ઇસ્તંબુલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની વાટાઘાતોનો ત્રીજો રાઉન્ડ નિષ્ફળ જતાં, મુત્તાકીએ પાકિસ્તાન પર અવાસ્તવિક અને ગેરવાજબી માંગણીઓ કરવાનો અને વારંવાર અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે.
મુત્તાકીએ એક કાર્યક્રમને સંબોધતા સ્પષ્ટ ચેતવણી આપી કે જો ઉશ્કેરવામાં આવશે તો અફઘાનિસ્તાન તેની સાર્વભૌમત્વનું રક્ષણ કરશે.
સાર્વભૌમત્વનું ઉલ્લંઘન અને વાટાઘાટોની નિષ્ફળતા
વિદેશ મંત્રી મુત્તાકીએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા અફઘાન સાર્વભૌમત્વના વારંવાર ઉલ્લંઘનથી બંને દેશોના સૈનિકો વચ્ચે તણાવ વધ્યો છે. તેમણે કહ્યું, "આપણા હવાઈ ક્ષેત્ર અને બજારો પર બોમ્બમારો કરવામાં આવ્યો; આપણી રાજધાની ઉપરના હવાઈ ક્ષેત્રનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું. અફઘાનિસ્તાન પાસે જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહીં."
તેમણે ખુલાસો કર્યો કે ત્રણ રાઉન્ડની વાતચીત એટલા માટે નિષ્ફળ ગઈ કારણ કે પાકિસ્તાને કાબુલ પાસેથી એક અતાર્કિક માંગણી કરી હતી કે પાકિસ્તાનમાં કોઈ સુરક્ષા ઘટના ન બને તેની જવાબદારી અફઘાનિસ્તાન લે.
મુત્તાકીએ આ માંગણીને અતાર્કિક ગણાવતા પ્રશ્ન કર્યો: "આપણે પાકિસ્તાનની આંતરિક સુરક્ષા માટે કેવી રીતે જવાબદાર હોઈ શકીએ? શું આપણે તેમની પોલીસ કે સેનાને નિયંત્રિત કરીએ છીએ?"
આતંકવાદ અને TTP નો મુદ્દો
અફઘાન મંત્રીએ વધુમાં આરોપ લગાવ્યો કે દાએશ (ISIS) ના તત્વોને અફઘાનિસ્તાન પર હુમલો કરવા માટે પાકિસ્તાનની અંદર તાલીમ આપવામાં આવી રહી છે. તેમણે પાકિસ્તાની સૈન્ય પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, "તમારી પાસે ટેકનોલોજી, કેમેરા અને સેંકડો ચોકીઓ છે. જો લડવૈયાઓ હજુ પણ ઘૂસણખોરી કરે છે, તો તમે તેમને કેમ રોકી શકતા નથી?"
સંબોધનના અંતે, મુત્તાકીએ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું, "તમે ભારત સાથે યુદ્ધો લડ્યા, ઈરાન સાથે સંઘર્ષ કર્યો, અને હવે તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન સાથે અશાંતિનો સામનો કરી રહ્યા છો. શું તમે આ બધા માટે અફઘાનિસ્તાન પર દોષારોપણ કરશો?"
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
