<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

સુભાષ ઘાઇએ ગુજરાતી ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે'ના ફિલ્મ ફેસ્ટિવલમાં ભરપેટ વખાણ કર્યા

સુપરહિટ ફિલ્મોના નિર્દેશક સુભાષ ઘાઈએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે, કેવી રીતે આ ગુજરાતી ફિલ્મે ઓછા બજેટમાં પણ અસાધારણ સફળતા મેળવી

મુંબઈ :બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સુભાષ ઘાઈએ મુંબઈમાં 13 નવેમ્બરથી શરૂ થયેલા જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' ના ભરપેટ વખાણ કર્યા છે. 'પરદેશ' જેવી સુપરહિટ ફિલ્મોના નિર્દેશક સુભાષ ઘાઈએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે, કેવી રીતે આ ગુજરાતી ફિલ્મે ઓછા બજેટમાં પણ અસાધારણ સફળતા મેળવી છે.

સુભાષ ઘાઈએ જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના સંબોધન દરમિયાન 'લાલો' ફિલ્મની સફળતા પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, 'હમણાં બીજા પ્રકારના પ્રેક્ષકોનો સ્વભાવ (ટેક્સ્ચર) હિન્દીમાં અલગ હોય છે. હવે તમે જુઓ કે એક ગુજરાતી ફિલ્મ છે - લાલો. જોઈ છે તમે? તે એક કરોડમાં બની છે. તેના પહેલા અઠવાડિયામાં 10 લાખનું કલેક્શન હતું, બીજા અઠવાડિયામાં 40 લાખ, ત્રીજા અઠવાડિયામાં 2 કરોડ અને પાંચમા અઠવાડિયામાં 15 કરોડનું કલેક્શન થયું. અને ત્યાર પછી તે કેટલું 100 કરોડ સુધી પહોંચશે, તેનો અંદાજ નથી. એક કરોડની ફિલ્મ! અને જેને આ ફિલ્મ બનાવી છે ને, તે છોકરો એટલો નિર્દોષ છે… તમે જુઓ, ગામથી, માટીથી જોડાયેલો, તેના અંદર કોઈ ચાલાકી નથી, કોઈ ગણતરી નથી.'

 

સૈકનિલ્કના પ્રારંભિક અંદાજ મુજબ, ફિલ્મે તેના 35મા દિવસે (13 નવેમ્બર 2025, ગુરુવાર) આશરે ₹3.10 કરોડનું ભારત નેટ કલેક્શન નોંધ્યું છે. આ સાથે, 'લાલો'નું 35 દિવસનું કુલ ઇન્ડિયા નેટ કલેક્શન વધીને લગભગ ₹39.10 કરોડ સુધી પહોંચ્યું છે.

 

ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે'નું દિગ્દર્શન અંકિત સાખિયાએ કર્યું છે. આ ફિલ્મનો નિર્માણ આર.ડી. બ્રધર્સ મૂવીઝ, મેનિફેસ્ટ ફિલ્મ્સ અને સોલ સૂત્ર બેનર હેઠળ થયો છે. ફિલ્મમાં કરણ જોશી, રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી, અંશુ જોશી અને કિન્નલ નાયક મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.

 

(1:42 PM IST)