<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

'વૃક્ષ માતા'ની વિદાય: સાલુમરદા થિમ્મક્કાનું ૧૧૪ વર્ષની વયે અવસાન

જેમને ૩૮૫ વૃક્ષોને પોતાના સંતાનોની જેમ ઉછેર્યા, તે પદ્મશ્રી પર્યાવરણવિદનો જીવનદીપ બુઝાયો

બેંગલુરુ, ૧૪ નવેમ્બર: પર્યાવરણ સંરક્ષણ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરનાર અને દેશ-વિદેશમાં 'સાલુમરદા' થિમ્મક્કા તરીકે જાણીતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતાનું આજે ૧૧૪ વર્ષની વયે નિધન થયું છે. થિમ્મક્કાએ ૧૪ નવેમ્બરે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી પર્યાવરણ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કર્ણાટકના તુમાકુરુ જિલ્લાના ગુબ્બી તાલુકાના મૂળ નિવાસી, થિમ્મક્કાએ તેમના સ્વર્ગસ્થ પતિ બિક્કાલા ચિક્કૈયા સાથે મળીને એક અનોખું કાર્ય કર્યું હતું. દંપતીને સંતાન ન હોવાથી, તેમણે મગડી તાલુકાના હુલીકલ ગામથી કુદુર સુધીના રાજ્ય ધોરીમાર્ગ-૯૪ પર કુલ ૩૮૫ વિશાળ વડના વૃક્ષો વાવ્યા અને તેનું જતન કર્યું. આ વૃક્ષોને તેમણે પોતાના સંતાનોની જેમ પાલન-પોષણ આપ્યું હતું, જેના કારણે તેમને 'વૃક્ષ માતા'નું બિરુદ મળ્યું.

મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ વ્યક્ત કર્યો શોક: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક વ્યક્ત કરતા જણાવ્યું: “હજારો વૃક્ષો વાવનારા અને તેમને પોતાના બાળકોની જેમ ઉછેરનારા થિમ્મક્કાએ પોતાનું મોટાભાગનું જીવન પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત કર્યું. ભલે થિમ્મક્કા આજે આપણને છોડીને ગયા છે, પર્યાવરણ પ્રત્યેના તેમના પ્રેમે તેમને અમર બનાવી દીધા છે.” તેમણે કહ્યું કે થિમ્મક્કાના નિધનથી રાજ્યે એક મહાન વ્યક્તિત્વ ગુમાવ્યું છે.

પર્યાવરણ મંત્રી ઈશ્વર ખંડ્રેએ પણ શોક સંદેશમાં જણાવ્યું કે, "અભણ હોવા છતાં, તેમણે પર્યાવરણ સંરક્ષણમાં મહાન કાર્ય કર્યું હતું અને તેમને માનદ ડોક્ટરેટની પદવી તથા પદ્મશ્રી સહિતના સર્વોચ્ચ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા." થિમ્મક્કાને વર્ષ ૨૦૧૯માં સામાજિક કાર્ય-પર્યાવરણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

થિમ્મક્કાનું જીવન સાબિત કરે છે કે પર્યાવરણની સુરક્ષા માટે કોઈ મોટી ડિગ્રી કે ધનની જરૂર નથી, માત્ર પ્રેમ અને સમર્પણની જરૂર છે. તેમના દ્વારા વાવેલા ૩૮૫ વડના વૃક્ષો આજે પણ તેમની અમર વારસો છે.

 

(3:22 PM IST)