<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

બાળકોમાં મોબાઈલનું વ્‍યસન વધ્‍યું: રોજનો સ્‍ક્રીન ટાઈમ ૩ કલાક

૮૨ ટકા બાળકોને મોબાઈલ વિના ચાલતું નથી : મેદાનમાં રમવાનું ભુલાતા અનેક બાળકોમાં મેદસ્‍વિતાની સમસ્‍યાઃ અનેક બાળકોમાં હવે ચપળતાનો અભાવ

નવી દિલ્‍હી તા.૧૫: ૧૪મી નવેમ્‍બરને બાળદિન તરીકે  ઉજવવામાં આવે છે. પરંતુ વિડંબના એ છે કે મેદાન અને લાઈબ્રેરીમાં રમતું બાળક હવે વધુ સ્‍માર્ટ ફોનના સ્‍ક્રીન પ સીમિત થઈ ગયું છે. એન્‍યુઅલ સર્વે ઓફ એજ્‍યુકેશન રિપોર્ટ-૨૦૨૪ અનુસાર ગ્રામીણ ગુજરાતમાં ૮૨ ટકા બાળકો સ્‍માર્ટફોનનો વપરાશ કરતા થયા છે. ૭૬ ટકા બાળકો સોશ્‍યલ મીડિયા અને ૫૭ ટકા બાળકો શિક્ષણ અર્થે મોબાઈલ વાપરે છે. જેમાં ૧૪ થી ૧૬ વર્ષના બાળકોમાં ૮૩ ટકા વપરાશ અને ૮ થી ૧૬ વર્ષના બાળકોમાં ૮૨ ટકા વપરાશ જોવા મળ્‍યો છે. જેના કારણે શાળાના મેદાનોને બદલે હવે બાળકો સ્‍ક્રીન પર આવી ગયા છે.

શહેરોની શાળાઓમાં તો મેદાનોનો પ્રશ્ન છે જ પરંતુ ગુજરાતની ૫૩૮૫૧ માન્‍ય શાળાઓમાંથી ૬૩૩૨ શાળાઓ એવી છે જ્‍યાં રમતના મેદાન નથી. રાજ્‍ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કુલ ૩૩૦૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ૫૦૦૦ શાળાઓમાં રમતના મેદાનો નથી. જ્‍યારે ૧૨૭૦૦ જેટલી સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી શાળાઓમાંથી ૭૮ સરકારી શાળાઓ, ૩૧૫ ગ્રાન્‍ટ ઈન એઈડ દ્વારા ચાલતી શાળાઓ અને ૨૫૫ જેટલી પ્રાઈવેટ શાળામાં પણ મેદાનનું નામ નિશાન નથી. બીજી તરફ મેદાનો છે ત્‍યાં પણ ગ્રામીણ શાળાઓમાં બાળકો અત્‍યારથી જ મોબાઈલ સ્‍ક્રીનના આદતી બની ગયા છે. દરેક બાળકનો એવરેજ સ્‍ક્રીન ટાઈમ ૩ કલાકથી વધુ છે. માત્ર એટલું જ નહીં પરંતુ ૨૦૧૦ પછી જન્‍મેલા બાળકોમાં તો રમાડવા માટે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવ્‍યો હોવાથી આ બાળકો શારીરિક રીતે નબળા છે. એનાથી પણ ખરાબ દશા ૨૦૧૯ પછી કોવિડમાં જન્‍મેલા બાળકોની છે જેમને રમતના મેદાનના બદલે મોબાઈલના સ્‍ક્રીન જ નસીબમાં મળ્‍યા છે અને આગામી સમયમાં મોટી સંખ્‍યામાં આ બાળકો સ્‍માર્ટ ફોન સાથે સ્‍માર્ટ તો બની રહ્યા છે પરંતુ શારીરિક રીતે મજબૂત નથી.

વધુમાં ૨૫૫ શાળાઓમાં મહત્તમ એવી છે જે કોમ્‍પ્‍લેક્‍સમાં ચાલે છે અને તેની નીચે પાનના ગલ્‍લાઓ અને અન્‍ય પ્રકારના કોમર્શિયલ સ્‍થળોમાંથી પસાર થઈને બાળક ભણવા આવે છે અને ઘરે જાય છે. આનો અર્થ એ નથી કે બાકીની ૪૭૫૧૯ શાળાઓને મેદાનો છે. 

(10:36 AM IST)