News of Saturday, 15th November 2025
નરેન્દ્રભાઇ ભગવાન બીરસા મુંડાની ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણીમાં ઉપસ્થિતઃ મહાપ્રકલ્પોનું લોકાર્પણ
પીએમ મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે ડેડીયાપાડા પહોંચ્યાઃ જનસભા સંબોધન : દેવમોગરા માતાજીના મંદિરમાં પ્રધાનમંત્રી દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી

અમદાવાદ તા. ૧પઃ નર્મદા જિલ્લો આજે એક ઐતિહાસિક દિવસનો સાક્ષી બની રહ્યો છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે ખાસ કાર્યક્રમોમાં ભાગ લેવા સાથે સાથે મોટા પાયે વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવા જિલ્લામાં આવ્યા છે. નરેન્દ્રભાઇના આ પ્રવાસ ધાર્મિક, સાંસ્કળતિક, રાજકીય અને વિકાસલક્ષી તમામ પરિપ્રેક્ષ્યને સ્પર્શતો હોવાથી સમગ્ર જિલ્લાવાસીઓમાં ભારે ઉત્સાહ છે.
પ્રધાનમંત્રી સવારે ૭.૪૫ વાગ્યે દિલ્હીથી રવાના થઈ ૯.૨૦ વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચ્યા. ત્યાંથી હેલિપેડ પહોંચીને ૧૦ વાગ્યાથી ૧૧.૧૫ વાગ્યા સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સુરત સ્ટેશનની મુલાકાત લઈને તેની પ્રગતિની સમીક્ષા કરી હતી. બાદમાં ૧૧.૩૦ વાગ્યે સુરત હેલિપેડથી દેવમોગરા માટે રવાના થઈ ૧૨.૧૫ વાગ્યે ત્યાં પહોંચ્યા હતા. દેવમોગરા માતાજીના મંદિરમાં નરેન્દ્રભાઇએ દ્વારા ૧૨.૪૦ થી ૧ વાગ્યા સુધી પૂજા-અર્ચના કરી હતી.
ત્યાર પછી ૧.૧૫ વાગ્યે હેલિકોપ્ટર મારફતે ડેડીયાપાડા માટે પ્રસ્થાન કર્યું હતું ડેડીયાપાડામાં પારસી ટેકરા હેલિપેડથી બિરસા મુંડા ચોક સુધી વિશાળ રોડ શો યોજાયો હતો. જેમાં હજારો લોકો ભાગ લીધો હતો. રોડ શોના રૂટનું નિરીક્ષણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્ધારા ગતરોજ જ કરવામાં આવ્યું હતું અને ૨૫ થી વધુ વાહનોના કાફલાનો રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. જયારે ૨.૧૦ વાગ્યે નરેન્દ્રભાઇ સભાસ્થળે પહોંચ્યા હતા અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મુખ્ય કાર્યક્રમની શરૂઆત કરેલ. અહીં પ્રધાનમંત્રીએ કુલ ઈં ૯,૭૦૦ કરોડના વિકાસ મહાપ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરેલ. જેમાં આદિવાસી વિસ્તારોમાં માર્ગ, પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓને નવી ગતિ આપનારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ દરમિયાન પ્રધાનમંત્રી વિશાળ જાહેરસભાને સંબોધિત કરી અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓ જણાવી હતી.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ૪.૦૫ વાગ્યે પ્રધાનમંત્રી હેલિપેડ માટે રવાના થઈ ૪.૧૫ વાગ્યે સુરત એરપોર્ટ માટે પ્રસ્થાન કરશે અને સાંજે ૫ વાગ્યે દિલ્હી માટે ઉડાન ભરી ૬.૪૦ વાગ્યે દિલ્હી પહોંચશે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
