<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

દિલ્હીમાં મોટા બોમ્બ વિસ્ફોટની સાજિશ ઘડનાર જૈશ-એ-મોહમ્મદના ફરીદાબાદ મોડ્યુલ પ્રકરણમાં ડૉ. શાહીન માત્ર પાકિસ્તાનના સંપર્કમાં હતી એટલું જ નહીં તેણે ઉત્તર પ્રદેશમાં કામ કરતા 30 થી 40 ડોક્ટરોને પોતાના નેટવર્કમાં જોડવાનો પ્રયાસ કર્યો'તો

NIA, IB, દિલ્હી પોલીસ અને UP ATSની સંયુક્ત તપાસમાં ખુલ્યું છે કે ડૉ. શાહીનના સંપર્કો પાકિસ્તાન ઉપરાંત મલેશિયા, તુર્કી, UAE, માલદીવ અને બાંગ્લાદેશ સુધી ફેલાયેલા હતા શ્રીનગરમાં પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું કે પાકિસ્તાની સેનાના એક ડોક્ટર સાથે સીધા સંપર્કમાં હતી

નવી દિલ્હી તા.૧૫ : દિલ્હીમાં મોટા બોમ્બ વિસ્ફોટની સાજિશ ઘડનાર જૈશ-એ-મોહમ્મદના ફરીદાબાદ મોડ્યુલનો પર્દાફાશ થતાં જ તપાસ એજન્સીઓને ચોંકાવનારી માહિતીઓ મળી આવી છે. મોડ્યુલની મુખ્ય સભ્ય ડૉ. શાહીન માત્ર પાકિસ્તાનના સંપર્કમાં હતી એટલું જ નહીં, પરંતુ તેણે ઉત્તર પ્રદેશમાં કામ કરતા 30 થી 40 ડોક્ટરોને પોતાના નેટવર્કમાં જોડવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશમાં હાજર લગભગ 200 કાશ્મીરી મૂળના ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓ હવે સુરક્ષા એજન્સીઓની રડાર પર છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દેશભરમાં આવી શંકાસ્પદ પ્રોફાઈલ્સની સંખ્યા 1,000 થી વધુ હોવાનો અંદાજ છે.

વિદેશોમાં ફેલાયેલું નેટવર્ક

NIA, IB, દિલ્હી પોલીસ અને UP ATSની સંયુક્ત તપાસમાં ખુલ્યું છે કે ડૉ. શાહીનના સંપર્કો પાકિસ્તાન ઉપરાંત મલેશિયા, તુર્કી, UAE, માલદીવ અને બાંગ્લાદેશ સુધી ફેલાયેલા હતા. શ્રીનગરમાં પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું કે તે પાકિસ્તાની સેનાના એક ડોક્ટર સાથે સીધા સંપર્કમાં હતી. સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે દિલ્હીમાં મોટો હુમલો કર્યા બાદ તે વિદેશ ભાગવાની યોજના બનાવી રહી હતી, જેના માટે તેણે વિઝા માટે અરજી પણ કરી હતી.

મોડ્યુલના અન્ય સભ્યો પણ રડારમાં

ડૉ. આદિલ, ડૉ. પરવેઝ, ડૉ. આરિફ અને ડૉ. ફારૂક આ તમામ હાલ ATS અને NIAની કસ્ટડીમાં છે. સતત પૂછપરછ ચાલુ છે અને ટીમોને દિલ્હી અને શ્રીનગર બંને સ્થળે તૈનાત કરવામાં આવી છે જેથી આખું નેટવર્ક તોડી પાડવામાં આવે.

બ્રેઇનવૉશ કેવી રીતે થયું?

તપાસમાં ચોંકાવનાર એક વધુ ખુલાસો થયો કે ડૉ. શાહીને પોતાના ભાઈ ડૉ. પરવેઝને કટ્ટરપંથી બનાવીને મોડ્યુલમાં સક્રિય રીતે જોડ્યા. 2021માં પરવેઝે માલદીવની મુસાફરી કરી હતી, જેના બાદ શાહીને ધીમે ધીમે તેને રેડિકલાઇઝ કર્યો.

મોડ્યુલમાં પરવેઝની ભૂમિકા મહત્વપૂર્ણ શું હતી ?

    હથિયારોનું પરિવહન

    UPના ડોક્ટરો સુધી ગોપનિય સંદેશાઓ પહોંચાડવા

    ઓનલાઇન ટ્રેકિંગથી બચવા માટે જૂના કીપેડ ફોનનો ઉપયોગ

    આ બધું શાહીનની જ સૂચનાથી કરવામાં આવતું હતું.

ચાર વર્ષથી ચાલતું કાવતરું

એજન્સીઓના જણાવ્યા મુજબ, આ આખું નેટવર્ક ગયા ચાર વર્ષથી એક મોટા હુમલાની તૈયારી કરી રહ્યું હતું. તેમના મુખ્ય ટાર્ગેટ દિલ્હી અને અનેક મહત્ત્વના ધાર્મિક સ્થળો હતા. જૈશ-એ-મોહમ્મદ ખાસ કરીને શિક્ષિત વ્યાવસાયિકો પર વિશ્વાસ રાખે છે અને તેથી આ મોડ્યુલમાં ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓની ભૂમિકા અત્યંત મહત્વની ગણવામાં આવે છે.

નેટવર્ક તોડવા માટે ઝડપી પગલાં

ઉત્તર પ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીર વચ્ચે સતત માહિતીની આપ-લે થઈ રહી છે. વિવિધ સ્થાનો પરથી ઘણાં શંકાસ્પદોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ દાવો કરે છે કે નજીકના સમયમાં આખું નેટવર્ક તોડી પાડવામાં આવશે.

(4:45 PM IST)