News of Sunday, 16th November 2025
દર્શન જતા શ્રદ્ધાળુઓ પર કાળનો પંજો: જોધપુરમાં ગમખ્વાર અકસ્માત, 6 ગુજરાતીઓના કરૂણ મોત
સાબરકાંઠાથી રામદેવરા જઈ રહેલા યાત્રાળુઓનો ટેમ્પો ટ્રક સાથે ટકરાયો, 14થી વધુ ઈજાગ્રસ્ત

જૈસલમેર/જોધપુર: રાજસ્થાનમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ માટે કાળનો દિવસ સાબિત થયો છે. સાબરકાંઠાથી પવિત્ર સ્થળ રામદેવરાના દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓના એક ટેમ્પોને જોધપુર–જૈસલમેર હાઇવે પર ભયાનક અકસ્માત નડ્યો છે. આજે સવારે સર્જાયેલા આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 6 ગુજરાતી યાત્રાળુઓએ ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, આ ટેમ્પોમાં સાબરકાંઠા જિલ્લાના અનેક શ્રદ્ધાળુઓ સવાર હતા અને તેઓ ધાર્મિક યાત્રાએ નીકળ્યા હતા, પરંતુ જોધપુર-જૈસલમેર હાઇવે પર તેમનો ટેમ્પો એક ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને 6 લોકોનાં કરૂણ મોત નીપજ્યાં હતા. આ દુર્ઘટનામાં 14થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા તમામ શ્રદ્ધાળુઓને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર ગુજરાતના સાબરકાંઠા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, કારણ કે યાત્રાએ નીકળેલા પરિવારજનોના મોતથી તેમના સ્વજનો પર આભ ફાટ્યું છે.
જોધપુર પોલીસે આ ગમખ્વાર અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક અને ટેમ્પો વચ્ચે ટક્કર કેવી રીતે થઈ, તેમજ ડ્રાઇવરની બેદરકારી હતી કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. જોકે, ધાર્મિક યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે થયેલા આ અકસ્માતે રાજ્યમાં ભારે કરૂણા અને દુઃખની લાગણી પ્રસરાવી દીધી છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
