<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

બિહાર ચૂંટણીમાં 'મત ખરીદવા' વર્લ્ડ બેન્કના પૈસાનો દુરુપયોગ?

પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીનો ગંભીર આક્ષેપ: મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરાયેલાં નાણાં ક્યાંથી આવ્યાં?

પટણા:બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની શાનદાર જીત બાદ હવે રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કરનાર પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજ દ્વારા એક ગંભીર અને સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યો છે. જન સુરાજના પ્રવક્તા અને મુખ્ય કર્તા-ધર્તા પવન વર્માએ દાવો કર્યો છે કે, બિહારની ચૂંટણીમાં વર્લ્ડ બેન્ક તરફથી અન્ય પ્રોજેક્ટ્સ માટે મળેલા નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સરકારે આ પૈસાનો ઉપયોગ કરીને રાજ્યના મહિલા મતદારોમાં વહેંચી દીધા હતા.
પવન વર્માના જણાવ્યા મુજબ, ચૂંટણીની આચારસંહિતા લાગુ થવાના માત્ર એક કલાક પહેલાં નીતિશ કુમાર સરકારે 'મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના' હેઠળ 1.25 કરોડ મહિલાઓના ખાતામાં રૂ.10,000 ટ્રાન્સફર કર્યા હતા. વર્માએ દાવો કર્યો છે કે, આ માટેની રકમ વર્લ્ડ બેન્ક દ્વારા અન્ય પ્રોજેક્ટ્સ માટે આપવામાં આવેલા રૂ.21,000 કરોડના ફંડમાંથી લેવામાં આવી હતી અને આચારસંહિતા લાગુ થતાં પહેલાં રૂ.14,000 કરોડની રકમ ઉઠાવીને મહિલાઓમાં વહેંચી દેવામાં આવી હતી.
જન સુરાજના રાષ્ટ્રીય પ્રવક્તા ઉદય સિંહે પણ આ આરોપોને સમર્થન આપતા કહ્યું કે, બિહાર ચૂંટણીમાં બહુમતી 'ખરીદવામાં' આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે, જાહેર નાણાંનો દુરુપયોગ કરીને રોકડ ટ્રાન્સફર દ્વારા મત ખરીદવામાં આવ્યા હતા, જેના કારણે જન સુરાજને ધારણા કરતાં ઘણા ઓછા મત મળ્યા. પવન વર્માએ ચિંતા વ્યક્ત કરી કે, આ બેફામ ખર્ચને કારણે બિહારના અર્થતંત્ર પર મોટો બોજ પડ્યો છે અને તેનાથી શિક્ષણ, આરોગ્ય તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્ત્વના ક્ષેત્રો પર ગંભીર અસર પડશે.
જન સુરાજના આ આક્ષેપોથી બિહારનું રાજકારણ ફરી ગરમાયું છે, જ્યાં રાજ્ય પર પહેલેથી જ રૂ.406,000 કરોડનું જાહેર દેવું છે અને દરરોજ રૂ.63 કરોડનું વ્યાજ ચૂકવવું પડે છે. આટલી મોટી રકમના દુરુપયોગના આક્ષેપોથી સત્તાપક્ષની જીત પર સવાલ ઊભા થયા છે અને વર્લ્ડ બેન્કના ફંડના ઉપયોગની પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નાર્થ મુકાયો છે.

(1:04 PM IST)