<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

વેનેઝુએલા પર ટ્રમ્પનો 'સૈન્ય પ્રહાર' નિશ્ચિત?

કેરેબિયન ક્ષેત્રમાં 15,000 સૈનિકો અને યુદ્ધ જહાજો તૈનાત: હુમલાનો આદેશ ગમે ત્યારે

વોશિંગ્ટન/કારાકાસ: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા સામે સૈન્ય કાર્યવાહી અંગે મન બનાવી લીધું હોવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. અમેરિકન મીડિયા અહેવાલો મુજબ, ટ્રમ્પે વેનેઝુએલાના શાસક નિકોલસ માદુરોને સત્તા પરથી દૂર કરવા માટે સંભવિત સૈન્ય કાર્યવાહીના વિકલ્પો અંગે ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી છે, જે દર્શાવે છે કે કાર્યવાહી હવે અંતિમ તબક્કામાં છે. ટ્રમ્પે પત્રકારોને પણ જણાવ્યું હતું કે, "વેનેઝુએલા વિરુદ્ધ શું કાર્યવાહી કરવી તે અંગે મેં મન બનાવી લીધું છે. શું થશે તે હું તમને જણાવી ન શકું, પણ મેં મન બનાવી લીધું છે."
પેન્ટાગોને આ સમગ્ર સૈન્ય અભિયાનને 'ઓપરેશન સદર્ન સ્પીયર' નામ આપ્યું છે. આ ઓપરેશન હેઠળ એક ડઝનથી વધુ યુદ્ધ જહાજો અને 15 હજારથી વધુ સૈનિકોને કેરેબિયન ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ વિશાળ સૈન્યબળ ગમે તે સમયે આદેશ મળતા જ વેનેઝુએલા પર હુમલો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમેરિકા દ્વારા વેનેઝુએલાના સૈન્ય ઠેકાણાઓ, સરકારી પ્રતિષ્ઠાનો, ડ્રગ્સ સ્મગલિંગના માર્ગો અને શાસક નિકોલસ માદુરો પર સીધો હુમલો કરવા સહિતના જુદા જુદા વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે.
બીજી તરફ, અમેરિકાના સંભવિત હુમલાનો સામનો કરવા માટે વેનેઝુએલા પણ સજ્જ થઈ રહ્યું છે. વેનેઝુએલાએ મોટી સંખ્યામાં સૈનિકોને એકત્રિત કરવાની જાહેરાત કરી છે અને મોટા પ્રમાણમાં હથિયારો તેમજ ઉપકરણોની તૈનાતી શરૂ કરી દીધી છે. બંને દેશો વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે અને કેરેબિયન ક્ષેત્રમાં સૈન્ય ઘર્ષણની સંભાવના ખૂબ જ વધી ગઈ છે.
આ નિર્ણાયક ઘડીએ ટ્રમ્પની "મેં મન બનાવી લીધું છે" વાળી ટિપ્પણીએ વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. ઓપરેશન સદર્ન સ્પીયર હેઠળ તૈનાત વિશાળ અમેરિકન સૈન્યબળ હવે માત્ર અંતિમ આદેશની રાહ જોઈ રહ્યું છે, જે ગમે ત્યારે આવી શકે છે.

(1:05 PM IST)