<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

બિહારની હાર બાદ I.N.D.I.A. ગઠબંધનમાં 'ડખા': ઉદ્ધવ અને મમતાના પક્ષે કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ

શિવસેનાનો આક્ષેપ 'નિર્ણયમાં વિલંબ' તો TMCનો સવાલ 'નેતૃત્વ કોના હાથમાં?'

પટણા/મુંબઈ/કોલકાતા:બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAનો ભવ્ય વિજય થતાં જ હવે I.N.D.I.A. ગઠબંધનમાં અંદરોઅંદર તણાવ શરૂ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ અને પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા બિહારના પરાજય માટે સીધો દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળવામાં આવી રહ્યો છે. શિયાળુ સત્રની શરૂઆત થવાની છે ત્યારે જ વિપક્ષમાં દેખાઈ રહેલો આ વિખવાદ ગઠબંધનની એકતા માટે મોટો પડકાર બની રહ્યો છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના નેતા અંબાદાસ દાનવેએ બિહારની હાર માટે ગઠબંધનમાં નિર્ણય લેવામાં થયેલા વિલંબને જવાબદાર ઠેરવ્યો છે. દાનવેએ આક્ષેપ કર્યો કે તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં ગઠબંધનમાં ખચકાટ હતો અને બેઠકોની વહેંચણીને અંતિમ રૂપ આપવામાં ખૂબ વિલંબ થયો. તેમણે કહ્યું કે, જે સમયે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની યાત્રાને સારું સમર્થન મળી રહ્યું હતું, તે સમયે જ તેજસ્વીને CM ચહેરો જાહેર કરવાની જરૂર હતી. આ વિલંબનું નુકસાન ચૂંટણીમાં થયું.
બીજી તરફ, કોંગ્રેસના નેતા અતુલ ગઠબંધનના સાથી પક્ષોને એકબીજા પર નિશાન સાધવાને બદલે વોટ ચોરીના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવી રહ્યા છે. જોકે, પશ્ચિમ બંગાળમાં TMC નેતા કુણાલ ઘોષે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ઘોષે કહ્યું કે, કોંગ્રેસે પોતાની હાર પર મંથન કરવું જોઈએ, કારણ કે તે સતત નિષ્ફળ સાબિત થઈ રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યાં કોંગ્રેસ પર ભાજપને રોકવાની જવાબદારી હોય ત્યાં કોંગ્રેસ ફેલ જ થાય છે અને તે જે રાજ્યમાં ગઠબંધન કરે તે પક્ષની નૈયા ડૂબાડે છે.
આંતરિક વિવાદ એટલો વધી ગયો છે કે, કોંગ્રેસ દ્વારા BMC (બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)માં એકલા હાથે ચૂંટણી લડવાના સંકેતો આપવામાં આવ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્રમાં પણ મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં તિરાડ પડી શકે છે. TMC નેતા કુણાલ ઘોષે તો ત્યાં સુધી કહી દીધું કે કોંગ્રેસે હવે વિચાર કરવો જોઈએ કે I.N.D.I.A. ગઠબંધનના નેતૃત્વની જવાબદારી કોના હાથમાં હોવી જોઈએ, અને આ માટે તેમણે મમતા બેનરજીનું નામ આગળ ધરીને ગઠબંધનના નેતૃત્વ પર જ મોટો સવાલ ઉભો કર્યો છે.

(2:22 PM IST)