News of Sunday, 16th November 2025
હાઇવે પર ભયાનક ભૂલ: ઍમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર સાથે પેશન્ટ બહાર ફેંકાયો, ડ્રાઇવરને ખબર પણ ન પડી
પ્યુઅર્ટો રિકોમાં સનસનાટી: ક્રિટિકલ કન્ડિશનમાં રહેલા દરદીનો જીવ પાછળના વાહનચાલકોએ બચાવ્યો

પ્યુઅર્ટો રિકો: દર્દીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવાની ઉતાવળમાં ડ્રાઇવર દ્વારા કરવામાં આવેલી એક અત્યંત ગંભીર ભૂલનો ચોંકાવનારો કિસ્સો પ્યુઅર્ટો રિકોના તોઆ બાજા શહેરના એક હાઇવે પર સામે આવ્યો છે. અહીં એક એમ્બ્યુલન્સમાંથી અચાનક દરદી સ્ટ્રેચર સાથે હાઇવે પર બહાર ફેંકાઈ ગયો હતો, અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે એમ્બ્યુલન્સના ડ્રાઇવરને આ ઘટનાની ખબર સુદ્ધાં નહોતી અને તે આગળ નીકળી ગયો હતો.
આ આખી ઘટના એમ્બ્યુલન્સની પાછળ આવી રહેલી એક કારના ડેશ બોર્ડ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એમ્બ્યુલન્સના દરવાજા યોગ્ય રીતે બંધ નહોતા. ઝડપમાં જઈ રહેલી એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર પર રહેલો અત્યંત ક્રિટિકલ કન્ડિશનમાં રહેલો દરદી અચાનક રોડ પર પટકાય છે. દરદીની હાલત જોઈને પાછળ આવી રહેલા વાહનોના ચાલકોએ તરત જ પોતાની કારો ઊભી રાખી દીધી હતી અને જીવ જોખમમાં મૂકીને તરત જ દરદી પાસે દોડી ગયા હતા.
પાછળના વાહનચાલકોએ માનવતા દાખવીને તાત્કાલિક રોકાઈ જઈને સ્ટ્રેચર પર પડેલા દરદીને બચાવી લીધો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આ ઘટના એમ્બ્યુલન્સ સેવાઓની બેદરકારી અને સલામતીના અભાવ પર ગંભીર સવાલો ઊભા કરે છે. ડ્રાઇવરની બેદરકારીના કારણે દરદીનો જીવ જોખમમાં મુકાયો હતો.
આ ઘટના ભારતમાં હંમેશાં આપવામાં આવતી એક સલાહનું મહત્ત્વ સમજાવે છે કે, એમ્બ્યુલન્સમાં દરદીની સાથે હંમેશાં એક પરિવારજનને રાખવો જોઈએ. જો ભારતીય પરિસ્થિતિમાં આવો બનાવ બન્યો હોય અને દરદી સાથે કોઈ પરિવારજન હોય તો આ ભયાનક અકસ્માત ટાળી શકાયો હોત અથવા તાત્કાલિક પગલાં લઈ શકાયા હોત.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
