<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

દેહરાદૂનમાં IT વિભાગનો મેગા દરોડો: દારૂના વેપારીઓ અને બિલ્ડરો પાસેથી ₹10 કરોડ રોકડા અને દાગીના જપ્ત

4 દિવસ સુધી 16 સ્થળોએ તપાસ: 22 બેંક લોકર્સ ખુલશે, કરચોરીના મોટા રહસ્યો પરથી પડદો ઊંચકાશે

દેહરાદૂન: ઉત્તરાખંડના દેહરાદૂન શહેરમાં આવકવેરા (IT) વિભાગે દારૂના વેપારીઓ અને મોટા બિલ્ડરોને ત્યાં મોટા પાયે દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. બુધવારની વહેલી સવારથી શરૂ થયેલા આ દરોડા ચાર દિવસ સુધી, એટલે કે શનિવાર સુધી ચાલુ રહ્યા હતા. 25 વાહનોમાં સવાર 100 અધિકારીઓની ટીમે રિયલ એસ્ટેટ એજન્ટ રાકેશ બટ્ટા, રમેશ બટ્ટા, વિજેન્દ્ર પુંડિર, ઇન્દ્ર ખત્રી, કમલ અરોરા અને પ્રદીપ વાલિયા સહિત 16 સ્થળોએ ધામા નાખ્યા હતા. દરોડા દરમિયાન ટીમોએ ઘરના અને ગુપ્ત લોકર્સની સઘન તપાસ કરી હતી.
આવકવેરા વિભાગની ટીમને વિવિધ સ્થળોએથી આશરે ₹10 કરોડની રોકડ અને અઘોષિત દાગીના મળી આવ્યા હતા, જે તમામ જપ્ત કરવામાં આવ્યા છે. દરોડાનું મુખ્ય કેન્દ્ર બલ્લુપુર ચોક ખાતે બિલ્ડરો રાકેશ બટ્ટા અને રમેશ બટ્ટાના રહેઠાણો અને ઓફિસો હતા, જ્યાંથી એકલા ₹3 કરોડ રોકડા અને ₹7 કરોડના દાગીના જપ્ત કરાયા હતા. આ વેપારીઓ જપ્ત કરાયેલી સંપત્તિ માટે કોઈ નક્કર દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. સૂત્રોના જણાવ્યા મુજબ, વેપારીઓ પાસે વિવિધ બેંકોમાં કુલ 22 લોકર્સ છે, જેની સંપૂર્ણ તપાસ વિભાગ દ્વારા કરવામાં આવશે, જેના આધારે કરચોરીના વધુ રહસ્યો ખુલશે.
આ કાર્યવાહીની શરૂઆત દિલ્હીમાં ઉદ્યોગપતિઓના ચાર સ્થળોએ પાડવામાં આવેલા દરોડાથી થઈ હતી, જ્યાંથી ટીમને કરચોરી સંબંધિત મહત્ત્વપૂર્ણ સંકેતો મળ્યા હતા. તેના આધારે, 100 અધિકારીઓની ટીમે દેહરાદૂનમાં 16 સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આવકવેરા વિભાગે ઉદ્યોગપતિઓના અનેક બેંક ખાતાઓ પણ ફ્રીઝ કરી દીધા છે. ઉપરાંત, ઘરો અને ઓફિસોમાંથી ઘણા કમ્પ્યુટર, લેપટોપ અને ટેબ્લેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.
દેહરાદૂનમાં દારૂ અને રિયલ એસ્ટેટના ધંધા સાથે જોડાયેલા અગ્રણી ઉદ્યોગપતિઓ સામેની આ મોટી કાર્યવાહીથી સમગ્ર વેપારી સમુદાયમાં ગભરાટ ફેલાયો છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી સંપત્તિઓની ચકાસણી કરવા અને મોટા પાયે થતી કરચોરીને અટકાવવા માટે કરવામાં આવી હતી. વિભાગ જપ્ત કરાયેલી સંપત્તિ પર દાવો કરવાની તક આપશે, પરંતુ દસ્તાવેજો વિનાની સંપત્તિ સામે કડક પગલાં લેવામાં આવશે.

 

(3:58 PM IST)