<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

છત્તીસગઢમાં નક્સલવાદ પર મોટો પ્રહાર: સુરક્ષાદળોને મોટી સફળતા: સુકમામાં ૩ ટોચના નક્સલવાદીઓ ઠાર

માર્યા ગયેલા ત્રણેય નક્સલવાદીઓ પર પ્રત્યેક પર ૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયેલું હતું

રાયપુર: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષાદળોને આજે એક મોટી સફળતા મળી છે. મળતી સત્તાવાર વિગતો મુજબ, તુમલપદ ગામ નજીકના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ ઓપરેશન ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની ૫૦મી બટાલિયન દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું હતું.
અહેવાલો અનુસાર, આ અથડામણમાં ત્રણ માઓવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. માર્યા ગયેલા ત્રણેય નક્સલવાદીઓ પર પ્રત્યેક પર ૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયેલું હતું. સુરક્ષાદળોએ ઘટનાસ્થળેથી મૃતદેહોની સાથે હથિયારો પણ જપ્ત કર્યા છે અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન સઘન બનાવ્યું છે.
પોલીસ પ્રશાસને બાકીના માઓવાદીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેમની પાસે હવે માત્ર બે જ વિકલ્પો બચ્યા છે: કાં તો તેઓ સરકારી યોજના મુજબ આત્મસમર્પણ કરે અથવા તો સુરક્ષાદળો દ્વારા મોતને ભેટવા  માટે તૈયાર રહે.

(5:11 PM IST)