<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

છ ધારાસભ્‍યો દીઠ એક મંત્રીપદની ફોર્મ્‍યુલા પર કેબિનેટ રચાશે

ભાજપ અને જેડીયુ વચ્‍ચે સીટ શેરિંગ નક્કી, નાના પક્ષો સાથે ભાજપ ચર્ચા કરશે

પટણા,તા.૧૭: બિહારમાં સરકારની રચવાની દિશામાં પ્રગતિ સધાઈ છે. આ અંતર્ગત ભાજપ અને જેડીયુએ કેબિનેટ શેરિગ માટે ‘પ્રતિ છ ધારાસભ્‍યો દીઠ એક મંત્રી'ના સિદ્ધાંતને અંતિમ સ્‍વરુપ આપ્‍યું છે. નીતીશકુમારના નેતૃત્‍વમાં જલદી જ શપથગ્રહણ સમારોહ યોજાશે. ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી અને ઉપેન્‍દ્ર કુશવાહ જેવા નાના પક્ષો હવે દિલ્‍હીમાં પોતાની ભાગીદારી નક્કી કરવા માટે વાતચીત કરશે, જે ગઠબંધનની વ્‍યાપક રણનીતિનો ભાગ હશે. નીતિશ કુમાર સોમવારે રાજ્‍યપાલને મળીને રાજીનામું સુપ્રત કરશે. સૂત્રોના કહેવા મુજબ, બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનની ભવ્‍ય જીત પછી નવી સરકાર રચનાની પ્રક્રિયા ઝડપી થઈ રહી છે. ભાજપ અને જેડીયુએ કેબિનેટમાં મંત્રીઓની વહેંચણીને લઈને પ્રથમ તબક્કાની વાતચીત પૂરી કરી છે અને એક ફોર્મ્‍યુલા પર સહમતી બની ગઈ છે, આ અંતર્ગત પ્રતિ છ ધારાસભ્‍યોએ એક મંત્રી પદ આપવામાં આવશે. આ ફોર્મ્‍યુલા હેઠળ ગઠબંધનના મુખ્‍ય સહયોગીઓ અને નાના પક્ષોની વચ્‍ચે વિભાગોની વહેંચણી સરળતાથી થવાની આશા છે.

જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજયકુમાર ઝા દિલ્‍હીમાં ભાજપના નેતાઓ સાથે વાતચીત કરીને રવિવારે પટણા પરત ફર્યા છે. એ મુખ્‍યમંત્રી નીતીશકુમાર સાથે બેઠક યોજીને ધારાસભ્‍ય પક્ષની બેઠકની તૈયારીને આગળ વધારશે. જેડીયુના ધારાસભ્‍યોની બેઠક સોમવારે યોજાઈ શકે છે. એનડીએના આગામી નેતાની ચૂંટણી ૧૮મી નવેમ્‍બર સુધી થવાની આશા છે.

ભાજપ હવે પોતાની કેબિનેટ ભાગીદારીને અંતિમ સ્‍વરુપ આપવા માટે નાના સહયોગીઓ સાથે વાતચીત શરુ કરશે. જીતનરામ માંઝી કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા દિલ્‍હી જઈ રહ્યા છે. ઉપેન્‍દ્ર કુશવાહ અને ચિરાગ પાસવાન પણ આ સંદર્ભમાં દિલ્‍હી જઈ રહ્યા છે. આ નેતાઓ વચ્‍ચે સોમવાર બપોર સુધીમાં વાતચીત થવાની શક્‍યતા છે.

ઉલ્‍લેખનીય છે કે ચૂંટણી પંચે બિહારની ૧૮મી વિધાનસભા ચૂંટણીના પરિણામ રાજ્‍યપાલ રાજેન્‍દ્ર આર્લેકરને સોંપી દીધા છે. નીતીશકુમારે સોમવારે કેબિનેટની બેઠક બોલાવી છે, જેમાં વર્તમાન ૧૭મી વિધાનસભાને ભંગ કરવાની મંજૂરી અપાશે, ત્‍યાર પછી નીતીશકુમાર મુખ્‍યમંત્રી પદેથી રાજીનામું આપશે. ૧૯મી કે ૨૦મી નવેમ્‍બરે પટણાના ગાંધી મેદાનમાં નવી સરકારના શપથગ્રહણ સમારોહ યોજાવા માટે તૈયારી ચાલી રહી છે.

 

(9:59 AM IST)