News of Monday, 17th November 2025
બિહારમાં ચૂંટાયેલા ૯૦% ધારાસભ્યો કરોડપતિઃ ૫૦% જ ગ્રેજ્યુએટ છે
જાણો સૌથી ધનિક કોણ અને ગ્રેજ્યુએટ કેટલાં? :AIMIMના ૫ ધારાસભ્યોમાંથી ૪ પર ગંભીર ગુનાઓના કેસ

પટણા,તા.૧૭: બિહાર વિકસિત રાજ્ય બનવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. તે ત્યારે જ શક્ય બનશે જ્યારે બિહારની સામાન્ય જનતાની સ્થિતિ સુધરશે. તેમાં કેટલા વર્ષો લાગશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ વખતે ચૂંટાયેલા ૯૦% ધારાસભ્યો કરોડપતિ છે. તેમની સંખ્યા ૨૧૮ છે. ૨૦૧૦ની ચૂંટણી બાદ રાજ્યમાં માત્ર ૨૦% ધારાસભ્યો જ કરોડપતિ હતા. ૨૦૧૫ની ચૂંટણી પછી આ સંખ્યા વધીને ૬૭% થઈ ગઈ અને ૨૦૨૦ની ચૂંટણી પછી આ સંખ્યા વધીને ૮૧% થઈ ગઈ હતી.
રાજ્યના તમામ ૨૪૩ ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ ૯.૦૨ કરોડ છે, જ્યારે ૨૦૨૦માં ચૂંટાયેલા ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ ૪.૩૨ કરોડ હતી. આ વર્ષે ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી ૫૦% ગ્રેજ્યુએટ છે. ADR અને બિહાર ઈલેક્શન વોચના પ્રતિનિધિ રાજીવ કુમારે શનિવારે આ રિપોર્ટ જારી કર્યો હતો. તેમાં તમામ ૨૪૩ નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સોગંદનામા પર વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
રિપોર્ટ પ્રમાણે ૩૫% ધારાસભ્યો પાસે ૫મા ધોરણથી લઈને ૧૨મા ધોરણ વચ્ચેની શૈક્ષણિક લાયકાત છે, જ્યારે ૫૦% ગ્રેજ્યુએટ છે. ૫ ધારાસભ્યોએ પોતાની લાયકાત ડિપ્લોમા તરીકે જાહેર કરી છે, જ્યારે સાત વિજેતા ઉમેદવારો સાક્ષર છે. મહત્તમ ૫૯% (૧૪૩) ધારાસભ્યો ૪૧-૬૦ વર્ષની વયના છે, જ્યારે ૧૬% (૩૮) ધારાસભ્યો ૨૫-૪૦ વર્ષની વયના છે. ૨૬% (૬૨) ધારાસભ્યોની ઉંમર ૬૨-૮૦ વર્ષ છે. ૨૪૩ ધારાસભ્યોમાંથી ૧૨%(૨૯) મહિલા ધારાસભ્ય છે. ગત વિધાનસભામાં તેમની સંખ્યા ૧૧% હતી. રિપોર્ટ પ્રમાણે ૨૪૩ ધારાસભ્યોમાંથી ૧૩૦ (૫૩%) ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. ૨૦૨૦માં ૨૪૧માંથી ૧૬૩ (૬૮%) ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા હતા. નવા ધારાસભ્યોમાં ફોજદારી કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. ૧૦૨( ૪૨%) ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે.
રિપોર્ટ પ્રમાણે ભાજપના ૮૯માંથી ૪૩ (૪૮%), જેડીયુના ૮૫માંથી ૨૩ (૨૭%), આરજેડીના ૨૫માંથી ૧૪ (૫૬%), એલજેપી (રામવિલાસ)ના ૧૯માંથી ૧૦ (૫૩%), કોંગ્રેસના ૬માંથી ૩ (૫૦%), AIMIMના ૫માંથી ૪ (૮૦%), રાષ્ટ્રીય લોક મોરચાના ૪માંથી ૧ (૨૫%) ઉમેદવારોએ પોતાની સામે ગંભીર કેસ જાહેર કર્યા છે.
ADRના રિપોર્ટ પ્રમાણે મુંગેરના ભાજપના ધારાસભ્ય કુમાર પ્રણય પાસે સૌથી વધુ ૧,૭૦,૮૧,૯૫,૮૪૨ ચલ-અચલ સંપત્તિ છે. બીજી તરફ બીજા નંબર પર મોકામાના JDU ધારાસભ્ય અનંત સિંહ છે, જેમની કુલ સંપત્તિ ૧,૦૦,૬૧,૭૩,૭૦૮ રૂપિયાની ચલ-અચલ સંપત્તિ છે. જ્યારે બરબીઘાના JDU ધારાસભ્ય ડો.કુમાર પુષ્પંજય પાસે પાસે ૯૪,૫૩,૦૨,૫૮૭ રૂપિયાની ચલ-અચલ સંપત્તિ છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
