<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ખોડલધામઃ ‘રાષ્‍ટ્ર શક્‍તિ' અને ‘ધર્મ શક્‍તિ'નું સંગમઃ હર્ષ સંઘવી

માં ખોડલને શીશ નમાવતા ડે.સીએમ હર્ષ સંઘવીઃ ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, પૂર્વ સાંસદ રમેશભાઇ ધડુક, ખોડલધામના નરેશભાઇ પટેલ સાથે જોડાયા : ધાર્મિક સ્‍થાનેથી અન્‍ય કોઈ પ્રશ્નોના જવાબ આપવા કે ટિક્કા ટિપ્‍પણીથી દૂર રહ્યાઃ કમોસમી વરસાદથી અસરગ્રસ્‍ત ખેડૂતોને માતાજી હિંમત આપેઃ નાયબ મુખ્‍યપ્રધાન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૭: ગુજરાતના નાયબ મુખ્‍યમંત્રી બન્‍યા બાદ હર્ષ સંઘવી  પ્રથમવાર કાગવડ ખોડલધામ ખાતે માં ખોડલના દર્શનાર્થે આવેલ. તેમની સાથે પૂર્વ સાંસદ રમેશ ધડુક અને રાજકોટના ધારાસભ્‍ય રમેશ ટીલાળા પણ જોડાયા હતાં. હર્ષ સંઘવી નાયબ મુખ્‍યમંત્રી સાથે ગળહમંત્રી પણ હોવાથી પોલીસ સ્‍ટાફ દ્વારા તેઓનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે ખોડલધામ વતી ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન નરેશભાઈ પટેલે તેમનું ખેસ પહેરાવી સ્‍વાગત કર્યું હતું. આ તકે નાયબ મુખ્‍યમંત્રીએ જણાવેલ કે, માં ખોડલના દર્શન કરી રાજ્‍યના ખેડૂતો માટે માં ખોડલને પ્રાર્થના કરું છું કે,  રાજ્‍ય સરકારે તો ખેડૂતો માટે સહાય જાહેર કરી જ છે, રાજ્‍યના ખેડૂતો કમોસમી વરસાદથી અસરગ્રસ્‍ત થયા છે તેઓને માતાજી હિંમત આપે, યુવાઓ તેમજ રાજ્‍યનો દરેક વ્‍યક્‍તિ પ્રગતિ કરે તેવી પ્રાર્થના પણ કરી છે. ખોડલધામને ‘રાષ્‍ટ્ર શક્‍તિ' અને ‘ધર્મ શક્‍તિ'નું સંગમ ગણાવ્‍યું, ખોડલધામ ખાતે જે વૈદિક લગ્નની પહેલ કરવામાં આવી છે જેને કારણે સમાજમાં સમાજના શ્રમિકો અને મધ્‍યમ વર્ગો દેખાદેખી છોડી સાદાઈથી લગ્ન વિધિ તરફ વળ્‍યા છે તે બાબતે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને તેઓની ટીમને બિરદાવી હતી.

જ્‍યારે અન્‍ય પ્રશ્નોના જવાબમાં ધાર્મિક સ્‍થાનક પરથી કોઈ પણ પ્રકારની ટિપ્‍પણી કરવાનો ઇન્‍કાર કર્યો હતો. ત્‍યારબાદ ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્‍ટી મંડળ સાથે બેઠક યોજી હતી.

(11:28 AM IST)