News of Monday, 17th November 2025
વિશ્વવિખ્યાત કંપની બેલ્કિનના પાવર બેંકમાં આગનો ખતરોઃ ૮૬,૦૦૦થી વધુ ઉપકરણો બજારમાંથી પાછા ખેંચાયા

નવી દિલ્હીઃ મોબાઇલ એક્સેસરીઝ બનાવતી અગ્રણી વૈશ્વિક કંપની બેલ્કિને તેના હજારો પાવર બેંક અને એક ચાર્જિગ સ્ટેન્ડને બજારમાંથી તાત્કાલિક પાછા ખેંચી લેવાની (રિકોલ) જાહેરાત કરી છે. આ ઉપકરણોની બેટરીમાં ખામી હોવાને કારણે તે અતિશય ગરમ થવા (ઓવરહિટીંગ) અને આગ લાગવાનું જોખમ ઉભું થયું છે. કંપનીએ ગ્રાહકોને આ ઉત્પાદનોનો ઉપયોગ તરત જ બંધ કરવા વિનંતી કરી છે.
અમેરિકી ગ્રાહક ઉત્પાદન સુરક્ષા આયોગ (યુએસ સીપીએસસી) દ્વારા જારી કરાયેલ સત્તાવાર ચેતવણી મુજબ, આ રિકોલથી બેલ્કિનના ત્રણ ચોક્કસ મોડેલ પ્રભાવિત થયા છેઃ
૧. બૂસ્ટચાર્જ ૨૦કે યુએસબી-સી પીડી પાવર બેંક (મોડેલ ક્રમાંક : બીપીબી૦૦૨)
૨. બૂસ્ટચાર્જ ૨૦કે યુએસબી-સી પીડી પાવર બેંક (મોડેલ ક્રમાંક : પીબી૦૦૦૩)
૩. આઇફોન માટેનું ઓટો-ટ્રેકિગ સ્ટેન્ડ પ્રો (મોડેલ ક્રમાંક : એમએમએ૦૦૮)
આ ખામીયુક્ત ઉપકરણો ઓગસ્ટ ૨૦૨૦ થી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન વેચવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, આ રિકોલથી અમેરિકામાં વેચાયેલા આશરે ૮૩,૫૦૦ અને કેનેડામાં વેચાયેલા ૨,૩૮૫ એકમો પ્રભાવિત થયા છે.
કંપનીને વૈશ્વિક સ્તરે આ ઉત્પાદનો અતિશય ગરમ થવાની ૧૫ જેટલી ફરિયાદો મળી ચૂકી છે. આ ઘટનાઓમાં અમેરિકામાં બે ગ્રાહકોને સામાન્ય દાઝી જવાની ઈજાઓ અને એક આગ લાગવાની ગંભીર ઘટનાનો સમાવેશ થાય છે. આ ખામીને કારણે અત્યાર સુધીમાં અંદાજે ૩૭,૭૬૫ ડોલરના માલમિલકતને નુકસાન થયું હોવાનો અંદાજ છે.
કંપનીએ ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ તાત્કાલિક આ ઉત્પાદનોનો ઉપયોગ બંધ કરે. ગ્રાહકો તેમના ઉપકરણની નીચે છાપેલ મોડેલ ક્રમાંક ચકાસી શકે છે. જો તેમનો મોડેલ ક્રમાંક ઉપરોક્ત યાદીમાં હોય, તો તેઓએ વળતર (રિફંડ) પ્રક્રિયા માટે બેલ્કિનની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
જે ગ્રાહકો પાસે ખરીદીની અસલ રસીદ હશે, તેઓને પૂરેપૂરા નાણાં પરત મળશે.જેમની પાસે રસીદ નથી, તેઓને ઉત્પાદનની સરેરાશ વેચાણ કિમત અથવા તેનાથી ૨૦% વધુ મૂલ્યની સ્ટોર જમા રકમ (સ્ટોર ક્રેડિટ) આપવામાં આવશે.
બેલ્કિને ભારપૂર્વક જણાવ્યું છે કે આ ખામીયુક્ત એકમોમાં લિથિયમ-આયન બેટરી હોવાથી તેને સામાન્ય કચરાપેટીમાં ફેંકવા અત્યંત જોખમી છે. ગ્રાહકોએ આ ઉપકરણોનો નિકાલ ફક્ત પ્રમાણિત લિથિયમ-આયન રિસાયક્લિંગ કેન્દ્રો પર જ કરવો આવશ્યક છે.
નોંધનીય છે કે, અન્ય બ્રાન્ડો પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં એન્કર કંપનીએ પણ તેના દસ લાખથી વધુ પાવર બેંક પાછા ખેંચ્યા હતા. નિષ્ણાતોના મતે, આ ઘટનાઓ દર્શાવે છે કે પોર્ટેબલ બેટરીઓ માત્ર સાદા ઉપકરણો નથી, પરંતુ તે સઘન ઉર્જા સંગ્રહ પ્રણાલીઓ છે, અને પ્રતિષ્ઠિત બ્રાન્ડોમાં પણ ગુણવત્તા નિયંત્રણની ખામીઓ સર્જાઈ શકે છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
