<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

આઝમ ખાન અને અબ્દુલ્લાને 7 વર્ષની સજા: રામપુર કોર્ટે 'બે પાન કાર્ડ' કેસમાં મોટો ચુકાદો આપ્યો! નકલી દસ્તાવેજોના ઉપયોગનો ગુનો સાબિત

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને પુત્ર તુરંત જ કસ્ટડીમાં લેવામાં આવ્યા, રાજકીય વર્તુળોમાં ખળભળાટ: અબ્દુલ્લા પર અલગ-અલગ જન્મ તારીખો ધરાવતા બે પાન કાર્ડનો ઉપયોગ કરવાનો આરોપ

રામપુર, ઉત્તર પ્રદેશ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ભૂતપૂર્વ મંત્રી આઝમ ખાન અને તેમના પુત્ર, ભૂતપૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા ખાન ને રામપુરની MP-MLA સ્પેશિયલ કોર્ટે એક ગંભીર કેસમાં દોષિત ઠેરવીને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ પિતા-પુત્ર બંનેને તુરંત જ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલો બે પાન કાર્ડ કૌભાંડ સાથે જોડાયેલો છે. છ વર્ષ પહેલાં, 6 ડિસેમ્બર, 2019 ના રોજ, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આકાશ સક્સેના દ્વારા સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં અબ્દુલ્લા પર અલગ-અલગ જન્મ તારીખો ધરાવતા બે પાન કાર્ડ મેળવવા અને તેનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એક પાન કાર્ડમાં જન્મ તારીખ 1 જાન્યુઆરી, 1993 જ્યારે બીજામાં 30 સપ્ટેમ્બર, 1990 દર્શાવવામાં આવી હતી.

અદાલતમાં ટ્રાયલ ચાલી રહી હતી અને આજે જજ શોભિત બંસલે બંને પક્ષોને દોષિત ઠેરવતો ચુકાદો આપ્યો. આ ચુકાદાને પગલે કોર્ટ પરિસરમાં ભારે ઉત્સુકતાનો માહોલ સર્જાયો હતો, જ્યાં ભાજપ અને સમાજવાદી પાર્ટીના સભ્યો એકઠા થઈ ગયા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વહીવટીતંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ચુકાદાથી ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં મોટો ખળભળાટ મચી ગયો છે.

 

(9:31 PM IST)