<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

રાજકીય પાર્ટીઓ પરના આયકર દરોડામાં નિવેદનો લેવાના પ્રક્રિયા શરૂ

બિલ્‍ડરને ત્‍યાં ચાલી રહેલા દરોડામાં ઘણી વિગતો મળી, તપાસ ચાલુ

 

અમદાવાદ તા.૧૮: બિહારની ચૂંટણી બાદ હવે દેશમાં અનેક રાજ્‍યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્‍યારે જ રાજકીય પક્ષોએ ફંડિગ મેળવવાની કવાયત તેજ કરી દીધી છે. બીજી તરફ માલેતુજારો ટેક્‍સ બચાવવા ચોક્કસ રાજકીય પક્ષોને ડોનેશન આપી, કમિશન બાદની રકમ પરત મેળવતા હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહેલા આવકવેરા વિભાગે અમદાવાદ અને ગાંધીનગરની ૨૫ પ્રિમાઈસીસ સહિત રાજ્‍યભરમાં કુલ ૩૨ પ્રિમાઇસીસ પર દરોડા પાડીને કાર્યવાહી શરૂ કરી છે. મોટાભાગની જગ્‍યાએ દરોડા બાદ નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે.

બિલ્‍ડરની વિવિધ પ્રિમાઇસીસ પર થયેલા દરોડામાં વિભાગને ઘણાં મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજો મળ્‍યા છે. ગુજરાતમાં ચાલેલી કાર્યવાહી બાદ હવે દેશભરમાં રાજકીય પક્ષો પર દરોડાની સંભાવના વ્‍યક્‍ત થવાથી સંચાલકોમાં ચકચાર મચી ગઈ છે. એક ઓરડી કે નાની જગ્‍યા પરથી ચાલતી કેટલીક રાજકીય પાર્ટીઓને કરોડો રૂપિયાનું ફંડિગ મળતું હોવાનું જાણવા મળ્‍યું છે. ફંડિગની ગોઠવણ એવી રીતે કરવામાં આવે છે કે ધનિકો મારફતે પાર્ટીને મળતા ફંડમાંથી ચોક્કસ ટકાવારી કમિશન કાપીને બાકી રકમ ડોનરને પરત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કરચોરી અને બ્‍લેક મનીને વ્‍હાઈટ કરવામાં આવતી હોવાની ચર્ચા છે. કાળા ધોળા અને મની લોન્‍ડરિગ સંબંધિત વિગતોની તપાસ માટે આવકવેરા વિભાગે દરોડા પાડી પક્ષોના ફંડ ખર્ચ અને બેંક એકાઉન્‍ટની તપાસ કરી હતી, જેમાં ઘણી વિસંગતતાઓ મળી આવી છે. જેના આધારે આગામી દિવસોમાં વધુ પગલાં લેવાશે.

બીજી તરફ અમદાવાદના બિલ્‍ડર પર ચાલી રહેલા દરોડામાં પણ અનેક દસ્‍તાવેજો તથા વ્‍યવહારોની માહિતી મળી છે. હવે બિલ્‍ડર સાથે સંકળાયેલા અન્‍ય લોકોની તપાસ પણ હાથ ધરવામાં આવશે. આવકવેરા વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાષ્ટ્રવ્‍યાપી દરોડાની શક્‍યતા વ્‍યક્‍ત થઈ છે.(૩૮.૧૭)

રાજકીય પાર્ટીઓની ઓફિસોની વિગતો એકત્રિત

શહેરના પોશ વિસ્‍તારો, કોટ વિસ્‍તાર તથા પોળ અને શેરીઓમાં આવેલી રાજકીય પાર્ટીઓની ઓફિસોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. હાલમાં જે પાર્ટીઓની ઓફિસોમાં આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે તે ઉપરાંત બહુવિધ પ્રિમાઇસીસની વિગતો વિભાગ પાસે ઉપલબ્‍ધ ન હોવાથી નવી વિગતો એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

(10:05 AM IST)