<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

જમ્મુ-કાશ્મીરમાં સતત હાઈ એલર્ટ: બંને મુખ્ય હાઇવે સીલ, આતંકીઓની માહિતી આપનારને ૫ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓના તાજેતરના ઇનપુટ્સને પગલે સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા સંભવિત હુમલાની આશંકા વ્યક્ત કરાયા બાદ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે અને જમ્મુ-પઠાણકોટ નેશનલ હાઈવે પર 'હાઈ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

સુરક્ષા દળો દ્વારા આ બંને વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગો પર ઠેર-ઠેર નાકાબંધી કરવામાં આવી છે. સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ, હાઈવે પરથી પસાર થતા દરેક વાહનની સઘન તપાસ કરવામાં આવી રહી છે. વાહનોની સાથે-સાથે મુસાફરોના સામાન અને તેમની ઓળખની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, જેના કારણે ટ્રાફિક ધીમો પડ્યો છે.

સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી અભિયાનમાં જનતાનો સહયોગ મેળવવા માટે એક મોટી જાહેરાત પણ કરી છે. પોલીસ પ્રશાસન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે કોઈ પણ વ્યક્તિ આતંકવાદીઓ અથવા તેમની હિલચાલ વિશે ચોક્કસ માહિતી આપશે, તેને ૫ લાખ રૂપિયા સુધીનું રોકડ ઇનામ આપવામાં આવશે. પોલીસે ખાતરી આપી છે કે માહિતી આપનારનું નામ અને ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ પગલાનો ઉદ્દેશ્ય સ્થાનિક લોકોની મદદથી છુપાયેલા આતંકવાદી નેટવર્કને નષ્ટ કરવાનો છે.

 

 

 

(1:40 PM IST)