<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

નેપાળમાં હિન્દુ રાષ્ટ્ર અને રાજાશાહીના સમર્થક દુર્ગા પ્રસાદની ધરપકડ: પ્રસાદે ૨૩ નવેમ્બરથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો કરવાની અને દેશને થંભાવી દેવાની જાહેરમાં ધમકી આપી છે

નેપાળમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે. નેપાળને પુનઃ હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની અને રાજાશાહી પરત લાવવાની માંગણી સાથે આંદોલન ચલાવી રહેલા વિવાદાસ્પદ કાર્યકર દુર્ગા પ્રસાદની પોલીસે ધરપકડ કરી છે.

વ્યવસાયે મેડિકલ ઉદ્યોગ સાહસિક એવા દુર્ગા પ્રસાદે પોતાને 'રાષ્ટ્ર, રાષ્ટ્રીયતા, ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ અભિયાન'ના સંયોજક ગણાવે છે. પ્રસાદે આગામી ૨૩ નવેમ્બરથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો કરવાની અને દેશને થંભાવી દેવાની જાહેરમાં ધમકી આપી હતી. તેમના દ્વારા કરાતી ઉશ્કેરણીજનક ભાષણબાજીને પગલે પોલીસ તેમના પર નજર રાખી રહી હતી. આ પહેલા માર્ચ મહિનામાં દુર્ગા પ્રસાદ દ્વારા આયોજિત આવી જ એક રાજાશાહી સમર્થક રેલી હિંસક બની હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. તે હિંસાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસે સાવચેતીના પગલારૂપે સોમવારે રાત્રે ભક્તપુર ખાતેના તેમના નિવાસસ્થાનેથી દુર્ગા પ્રસાદની ધરપકડ કરી હતી.

અમેરિકાની ઇમરજન્સી એજન્સીના વડા ડેવિડ રિચાર્ડસનનું વિવાદાસ્પદ રાજીનામું

અમેરિકાની ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (ફેમા) ના કાર્યકારી વડા ડેવિડ રિચાર્ડસને સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. માત્ર છ મહિનાના ટૂંકા કાર્યકાળ બાદ તેમનું આ રાજીનામું ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરના સંચાલનમાં તેમની નિષ્ફળતા અને બેજવાબદાર વલણને કારણે થયેલા વિવાદ બાદ આવ્યું છે. આ ઉનાળામાં ટેક્સાસમાં આવેલા પૂરમાં ૧૩૦થી વધુ લોકોના મોત થયા હતા. રિચાર્ડસન પર આરોપ છે કે તેમણે આટલી મોટી આફત દરમિયાન નિષ્ક્રિય ભૂમિકા ભજવી હતી અને દુર્ઘટનાના એક અઠવાડિયા બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહેવાલો મુજબ, જ્યારે પૂર આવ્યું ત્યારે તેઓ પોતાના પુત્રો સાથે કેમ્પિંગ પર હતા. આ પહેલા જૂન મહિનામાં પણ તેમણે એવું કહીને બધાને ચોંકાવી દીધા હતા કે તેમને ખબર જ નહોતી કે દેશમાં 'હરિકેન સિઝન' (વાવાઝોડાની ઋતુ) પણ હોય છે. રિચાર્ડસન મે મહિના પછી એજન્સી છોડનારા બીજા વડા છે. તેમના પુરોગામીને ટ્રમ્પ પ્રશાસનના એજન્સીને વિખેરી નાખવાના પ્રયાસોનો વિરોધ કરવા બદલ બરતરફ કરવામાં આવ્યા હતા. ૧ ડિસેમ્બરથી ફેમાના ચીફ ઓફ સ્ટાફ કેરેન ઇવાન્સ તેમનું સ્થાન લેશે.

 

(11:46 AM IST)