<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

ક્રિકેટર-પ્રધાન અઝહરૂદીન પિડીત પરિવારોને મળ્‍યાઃ સાઉદી જવા રવાનાઃ બે પરિવારના ૨૫ લોકોના કરૂણ મોત

નવી દિલ્‍હીઃ સાઉદી અરબમાં ભયાનક કરુણાંતિકાઃ મદીના નજીક બસ-ટેન્‍કર અકસ્‍માતમાં હૈદરાબાદના એક જ પરિવારના પતિ, પત્‍ની, તેમના પુત્રો, પુત્રીઓ, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓ સહિત ૧૮ સભ્‍યોના મોતથી કલ્‍પાંત મચી ગયો છે ત્‍યારે પૂર્વ ક્રિકેટર અને તેલંગાણાના લઘુમતી કલ્‍યાણ મંત્રી મોહમ્‍મદ અઝહરુદ્દીન પીડિત પરિવારોને મળ્‍યા હતા.

અન્‍ય એક પરિવારના માતા સબિલા બેગમ, પુત્ર ઈરફાન, પુત્ર વધુ હુમૈરા, બે માસૂમ પુત્રો હમદાન અને ઝફરા સહિત સાત સભ્‍યો  મૃત્‍યુ પામ્‍યા આમ માત્ર બે પરિવારના જ ૨૫ સભ્‍યોના મોત નીપજતા હાહાકાર મચી ગયા છે. આ  અકસ્‍માતમાં માત્ર એક જ યાત્રી, મોહમ્‍મદ અબ્‍દુલ શોએબ બચી જવા પામ્‍યો છે, જે ભયંકર રીતે દાઝી જતાં સ્‍થિતિ ગંભીર છે.

તેલંગાણાના મુખ્‍યમંત્રી રેવંત રેડ્ડીએ પણ આ ઘટના પર શોક વ્‍યક્‍ત કર્યો છે અને રાજ્‍ય સરકાર વતી મૃતકોના પરિવારોને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તેલંગાણાના લઘુમતી કલ્‍યાણ મંત્રી અને પૂર્વ ક્રિકેટર મોહમ્‍મદ અઝહરુદ્દીન તાત્‍કાલિક પીડિત પરિવારોના ઘરે પહોંચ્‍યા હતા અને તેમને સાંત્‍વના પાઠવી હતી.

સરકારે જાહેરાત કરી છે કે મોહમ્‍મદ અઝહરુદ્દીનના નેતૃત્‍વમાં એક ઉચ્‍ચ સ્‍તરીય પ્રતિનિધિ મંડળ રાહત અને બચાવ કાર્યોમાં મદદ માટે સાઉદી અરબ જશે. આ ઉપરાંત, દરેક પીડિત પરિવારમાંથી બે સભ્‍યોને સરકારી ખર્ચે સાઉદી અરેબિયા મોકલવામાં આવશે, જ્‍યાં મૃતકોના અંતિમ સંસ્‍કાર (તદફીન) ઇસ્‍લામિક રીત રિવાજ મુજબ કરવામાં આવશે.

 દરમિયાન, તેલંગાણા રાજ્‍ય હજ કમિટીના ચેરમેન ગુલામ અકઝલ બિયાબાનીએ જણાવ્‍યું હતું કે, આ યાત્રાળુઓ ખાનગી ઓપરેટર દ્વારા ગયા હતા અને તેના પર કમિટીનું કોઈ નિયંત્રણ નથી, તેમ છતાં તેઓ પીડિત પરિવારોને માહિતી અને શક્‍ય તમામ મદદ પૂરી પાડશે

(2:41 PM IST)