<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

મહારાષ્ટ્રના નાસિક અને પુણે જિલ્લામાં દીપડાના સતત હુમલા: મુખ્યમંત્રીને ઉચ્ચ અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક બોલાવી

સ્થિતિ કાબૂ બહાર જતાં સરકારે તાત્કાલિક એક્શન લેવાનો નિર્ણય કર્યો: ડ્રોન સર્વેલન્સ દ્વારા દીપડાઓને શોધીને પકડવાનો આદેશ:લાંબા ગાળાના ઉપાય તરીકે દીપડાઓની નસબંધી કરવાનું આયોજન

મહારાષ્ટ્રના નાસિક અને પુણે જિલ્લાઓમાં દીપડાના સતત હુમલાઓને કારણે લોકોમાં ભયનો માહોલ છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે મુખ્યમંત્રીને તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક બોલાવવી પડી છે. નાસિકના મહાત્માનગર વિસ્તારમાં શુક્રવારે સાંજે રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલા એક દીપડાને પકડવા માટે વન વિભાગે પાંચ કલાકની જહેમત ઉઠાવી હતી, જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની શાહી સુકાઈ નહોતી ત્યાં સોમવારે નાસિકની ભોસલે મિલિટરી સ્કૂલમાં દીપડો દેખાતા સ્કૂલ ખાલી કરાવવી પડી હતી.

બીજી તરફ, પુણે જિલ્લાના શિરુરમાં દીપડાના હુમલામાં ઘર પાસે રમી રહેલા 13 વર્ષના રોહનનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ કરુણાંતિકા બાદ ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ વન વિભાગની ગાડી અને ઓફિસને આગ લગાવી દીધી હતી અને નાસિક-પુણે હાઈવે જામ કરી દીધો હતો. કોલ્હાપુર અને અહિલ્યાનગરમાં પણ દીપડાના હુમલા વધ્યા છે.

 

સ્થિતિ કાબૂ બહાર જતાં સરકારે તાત્કાલિક એક્શન લેવાનો નિર્ણય કર્યો છે. સરકારે હવે ડ્રોન સર્વેલન્સ દ્વારા દીપડાઓને શોધીને પકડવાનો આદેશ આપ્યો છે અને લાંબા ગાળાના ઉપાય તરીકે દીપડાઓની નસબંધી કરવાનું આયોજન છે. નરભક્ષી દીપડાઓને રાખવા માટે પુણેમાં બે નવા રેસ્ક્યુ સેન્ટર પણ બનશે. સૌથી મહત્ત્વનો નિર્ણય એ છે કે સરકારે દીપડાને 'શેડ્યુલ-1'માંથી હટાવવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવાનું નક્કી કર્યું છે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો નરભક્ષી દીપડા સામે કાનૂની અડચણો વગર કાર્યવાહી કરી શકાશે.

 

હાલમાં ડ્રોન સર્વેલન્સ અને પિંજરા વધારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી હુમલાઓ સંપૂર્ણપણે અટકતા નથી, ત્યાં સુધી મહારાષ્ટ્રના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડરનો માહોલ યથાવત્ રહેશે.

 

(9:57 PM IST)