News of Wednesday, 19th November 2025
ભારતભરમાં 'ઈ-પાસપોર્ટ' સુવિધા શરૂ: હવે એરપોર્ટ પર લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ: આ પાસપોર્ટ સાથે ચેડાં કરવા કે તેની નકલ કરવી અશક્ય: વિશ્વના ૧૨૦થી વધુ દેશોમાં આ પ્રકારે બાયોમેટ્રિક પાસપોર્ટનો ઉપયોગ: જે નાગરિકો પાસે હાલમાં જૂના પાસપોર્ટ છે, તેમના પાસપોર્ટ મુદત પૂરી થાય ત્યાં સુધી માન્ય રહેશે
સરકારે પરંપરાગત પાસપોર્ટ બુકલેટને બદલે હવે ડિજિટલ ફીચર્સ ધરાવતા 'ઈ-પાસપોર્ટ' આપવાની વ્યવસ્થા સમગ્ર દેશમાં લાગુ કરી દીધી: નવી વ્યવસ્થા હેઠળ દેશના ૩૭ પાસપોર્ટ કાર્યાલયો, ૯૩ પાસપોર્ટ સેવા કેન્દ્રો અને ૪૫૦ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો ઉપર આ સેવા ઉપલબ્ધ

મુંબઈ: કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવાને અત્યાધુનિક બનાવતા દેશભરમાં 'ઈ-પાસપોર્ટ' સેવા શરૂ કરી દીધી છે. આ નવા પાસપોર્ટમાં ખાસ પ્રકારની ઇલેક્ટ્રોનિક ચિપ હશે, જે નાગરિકોની માહિતીને સુરક્ષિત રાખશે. આ સુવિધાને કારણે વિદેશ પ્રવાસ દરમિયાન ઇમિગ્રેશન કાઉન્ટર પર થતો વિલંબ દૂર થશે અને મુસાફરી ઝડપી બનશે.
વિગતવાર જોઈએ તો વિદેશ પ્રવાસ હવે વધુ સરળ અને સુવિધાજનક બનવા જઈ રહ્યો છે. સરકારે પરંપરાગત પાસપોર્ટ બુકલેટને બદલે હવે ડિજિટલ ફીચર્સ ધરાવતા 'ઈ-પાસપોર્ટ' આપવાની વ્યવસ્થા સમગ્ર દેશમાં લાગુ કરી દીધી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવી વ્યવસ્થા હેઠળ દેશના ૩૭ પાસપોર્ટ કાર્યાલયો, ૯૩ પાસપોર્ટ સેવા કેન્દ્રો અને ૪૫૦ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો પરથી આ સેવા ઉપલબ્ધ થશે.
શું છે આ ઈ-પાસપોર્ટની ખાસિયત?
આ નવા પાસપોર્ટ દેખાવમાં તો સામાન્ય પાસપોર્ટ જેવા જ હશે, પરંતુ તેમાં રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન (આરએફઆઈડી) ચિપ અને એક નાનકડું અન્ટેના લગાવવામાં આવ્યું છે. આ ચિપની અંદર પાસપોર્ટ ધારકનું નામ, જન્મ તારીખ, ફોટો અને આંગળીના નિશાન જેવી બાયોમેટ્રિક વિગતો અત્યંત સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ તૈયાર થયેલા આ પાસપોર્ટ સાથે ચેડાં કરવા કે તેની નકલ કરવી અશક્ય હશે, જેથી સુરક્ષામાં મોટો વધારો થશે.
મુસાફરોને શું ફાયદો થશે?
અત્યાર સુધી વિદેશના એરપોર્ટ પર ઇમિગ્રેશન તપાસ માટે મુસાફરોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. હવે આ ચિપવાળા પાસપોર્ટને કારણે મશીન દ્વારા ગણતરીની મિનિટોમાં જ આ તપાસ પૂરી થઈ જશે. વિશ્વના ૧૨૦થી વધુ દેશોમાં આ પ્રકારે બાયોમેટ્રિક પાસપોર્ટનો ઉપયોગ થાય છે, હવે ભારત પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે.
જૂના પાસપોર્ટનું શું થશે?
જે નાગરિકો પાસે હાલમાં જૂના (ચિપ વગરના) પાસપોર્ટ છે, તેમણે ગભરાવાની જરૂર નથી. તેમના પાસપોર્ટ તેની મુદત પૂરી થાય ત્યાં સુધી માન્ય રહેશે. જ્યારે તેઓ રિન્યુ કરાવશે ત્યારે તેમને નવો ઈ-પાસપોર્ટ આપવામાં આવશે. સરકારનો લક્ષ્યાંક છે કે વાર્ષિક લાખોની સંખ્યામાં આવા સુરક્ષિત પાસપોર્ટ જારી કરીને નાગરિકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવી. આ માટેની અરજી પ્રક્રિયા પણ ઓનલાઇન અને સરળ બનાવવામાં આવી છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
