News of Wednesday, 19th November 2025
દિલ્હીમાં કાતિલ ઠંડીની શરૂઆત: ૧૧ વર્ષનો રેકોર્ડ તૂટ્યો: પહાડો પર થઈ રહેલી બરફબારીને કારણે આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે: રાજધાનીમાં પારો ગગડ્યો
આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધશે: ૨૦ થી ૨૪ નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાન ગગડીને ૮ થી ૧૨ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા

નવી દિલ્હી: ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી ભારે હિમવર્ષાની સીધી અસર હવે દેશની રાજધાની દિલ્હી અને સમગ્ર એનસીઆર પંથકમાં વર્તાવા લાગી છે. પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, સોમવારની સવાર છેલ્લા ૧૧ વર્ષમાં આ સીઝનની સૌથી ઠંડી સવાર નોંધાઈ હતી, જ્યાં શીતલહેર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
દિલ્હીમાં મંગળવારે દિવસનું મહત્તમ તાપમાન ૨૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૧.૪ ડિગ્રી ઓછું છે. જ્યારે લઘુત્તમ તાપમાન ૯.૬ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ મહત્તમ ૧૦૦ ટકા અને લઘુત્તમ ૪૮ ટકા રહ્યું હતું. દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી, જ્યાં સોમવારે લઘુત્તમ તાપમાન ૮.૮ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયું હતું. આ ઉપરાંત આયાનગરમાં ૯.૪ ડિગ્રી, પાલમમાં ૧૦.૯ ડિગ્રી અને રિજ વિસ્તારમાં ૯.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધશે. ૨૦ થી ૨૪ નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાન ગગડીને ૮ થી ૧૨ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે, જ્યારે મહત્તમ તાપમાન ૨૪ થી ૨૮ ડિગ્રીની આસપાસ રહેશે.
આજે બુધવારે સવારના સમયે ધુમ્મસ અને કોહરાનું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આગામી પાંચ દિવસ સુધી આકાશ સ્વચ્છ રહેવાનો અંદાજ છે.
પવનોની દિશા અને ગતિ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલમાં ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાંથી ૫ થી ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. ૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ પવનની દિશા બદલાઈને ઉત્તર-પશ્ચિમ તરફ થવાની શક્યતા છે, પરંતુ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
પહાડો પર થઈ રહેલી બરફબારીને કારણે આગામી દિવસોમાં દિલ્હીવાસીઓને કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
