<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસનું 'એઆઈ' ક્ષેત્રે ધમાકેદાર પુનરાગમન: ૬.૨ અબજ ડોલરના રોકાણ સાથે 'પ્રોજેક્ટ પ્રોમિથિયસ' શરૂ કરશે

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ લાંબા સમય બાદ ફરીથી સક્રિય કામગીરીમાં જોડાવા જઈ રહ્યા છે. તેઓ રોબોટિક્સ અને દવા સંશોધન જેવા ક્ષેત્રો માટે 'પ્રોજેક્ટ પ્રોમિથિયસ' નામનું નવું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે, જેમાં અંદાજે ૬.૨ અબજ ડોલરનું જંગી ભંડોળ હોવાનું મનાય છે.

 

જુલાઈ ૨૦૨૧માં એમેઝોનના સીઈઓ પદેથી રાજીનામું આપ્યા બાદ જેફ બેઝોસ હવે ફરીથી 'એઆઈ'ની રેસમાં સીધા મેદાનમાં ઉતર્યા છે. અહેવાલો અનુસાર, બેઝોસ 'પ્રોજેક્ટ પ્રોમિથિયસ' નામના એક નવા સાહસ પર કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર કોમ્પ્યુટર સોફ્ટવેર પૂરતો સીમિત નથી, પરંતુ તે 'ફિઝિકલ એઆઈ' એટલે કે રોબોટિક્સ અને મેડિકલ ક્ષેત્રે દવાની શોધ (ડ્રગ ડિસ્કવરી) જેવી જટિલ પ્રક્રિયાઓમાં મદદરૂપ થવા પર કેન્દ્રિત રહેશે.

આ નવા સ્ટાર્ટઅપ પાસે ૬.૨ અબજ ડોલરનું જંગી ભંડોળ હોવાનું કહેવાય છે. ટેકનોલોજી જગતમાં આ સમાચાર ખૂબ જ મહત્વના માનવામાં આવે છે કારણ કે બેઝોસ ફરીથી કોઈ પ્રોજેક્ટમાં આટલી સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ભવિષ્યને આકાર આપવા માટે કમર કસી રહ્યા છે.

(9:39 AM IST)