News of Wednesday, 19th November 2025
સોલાર ક્ષેત્ર જોડાયેલા વારી ગૃપ પર આઈટીના ૨૫ જગ્યાએ દરોડા
આઇટીની ૨૫ ટીમ દ્વારા વાપી, ચીખલી અને મુંબઈમાં તપાસ

મુંબઈ,તા.૧૯: રીન્યુએબલ એનર્જી સાથે સંકળાયેલા વારી ગૃપ પર મુંબઈ આઇટીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ૨૫ અલગ અલગ જગ્યા પર તપાસ કરવા માટે ૨૫ ટીમ બનાવવામાં આવી હતી. ટીમ દ્વારા વાપી, ચીખલી અને મુંબઈ સહિતના સ્થળો પર તપાસ શરુ કરી છે.
મુંબઈ ઇન્કમટેક્સની ટીમ દ્વારા વાપી ઉદ્યોગ નગર વિસ્તાર અને ચીખલીમાં વારી ગ્રુપ ઓફ કંપનીની ચાલી રહેલી એક્સપેન્શનની કામગીરી વચ્ચે અચાનક જ મંગળવારે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતુ. હાલ તો દસ્તાવેજોની ચકાસણી અને અન્ય કામગીરી ચાલી રહી છે. એવી ચર્ચાએ જોર પકડયું છે કે વારી ગ્રુપ દ્વારા તાજેતરમાં જ ચીખલી અને નવસારી વિસ્તારમાં મોટાપાયે જમીન ખરીદી કરવાની કામગીરી કરવામાં આવી છે. આ જમીન ખરીદી બાબતે થયેલા વ્યવહારોને લઈ આઈટી વિભાગની ટીમની તેમના ઉપર નજર પડી છે જેને લઇને આ સમગ્ર કામગીરી થઈ હોવાનું હાલ તો ચર્ચા એ જોર પકડયું છે.
આઇટીની ટીમ દ્વારા વારી ગૃપને જમીન વેચનાર સુરતના શાહ અટકધારી જમીન માલિકને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે. જોકે હાલ તો આઇટી દ્વારા કંપની દ્વારા ભરવામાં આવેલા રીટર્ન અને તેની સાથે સંકળાયેલા લોકોએ ભરેલા રીટર્ન અને સ્થળ પરથી મળેલા દસ્તાવેજની ઉલટ તપાસ શરુ કરી છે. ત્યાર બાદ ટેક્સ ચોરી કરવામાં આવી છે કે નહીં તેની સ્કુટીની કરવામાં આવનાર છે. વારી ગૃપ પર પાડવામાં આવેલા દરોડાને કારણે તેની સાથે સંકલાયેલા અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તપાસમાં ટીમ દ્વારા કોમ્પ્યુટર, દસ્તાવેજ અને છેલ્લા થોડા વર્ષોમાં કરવામાં આવેલા વિસ્તરણ સહિતની વિગતો એકત્ર કરવામાં આવી છે. તેમાં કશું પણ વાંધાજનક મળી આવ્યા બાદ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા નિયમ પ્રમાણે કાર્યવાહી કરે તેવુ હાલ તો અધિકારીઓ જણાવી રહ્યા છે. જમીનના સોદા બાદ નિયમ પ્રમાણે ઈન્કમટેક્સ ભર્યો નહીં હોવાથી વાપીના એક અને સુરતના બે બિલ્ડરને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ બિલ્ડરો પાસેથી જગ્યા ખરીદાઈ હોવાનું મનાય છે.(૪૦.૧૬)
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
