<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

પત્‍નીએ ૧૧ વર્ષ સુધી પતિ સાથે શારીરિક સંબંધ ન બાંધ્‍યો, જ્‍યારે પણ પતિ નજીક જતો ધમકી આપતીઃ હવે કોર્ટમાં પહોંચ્‍યો મામલો

છત્તીસગઢ હાઈકોર્ટે વૈવાહિક વિવાદ પર મોટો ચુકાદો આપ્‍યોઃ કોર્ટે તેને પતિ પ્રત્‍યે માનસિક ક્રૂરતા ગણાવી

 

બિલાસપુર,તા.૧૯:  છત્તીસગઢ હાઈકોર્ટે પતિ-પત્‍નીના ૧૧ વર્ષથી અબોલા અને સંબંધમાંથી સતત દૂર રહેવાને માનસિક ક્રૂરતા ગણાવતા છૂટાછેડાની ડિક્રીને મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું કે, આટલા લાંબા સમય સુધી સંબંધ ન હોવો અને વૈવાહિક જીવનમાં પરત ફરવાથી ઇનકાર કરવો પતિ માટે માનસિક યાતના છે. અંબિકાપુર નિવાસી વ્‍યક્‍તિ અને રાયપુરની મહિલાના લગ્ન ૨૦૦૯માં થયા હતા. પતિનો આરોપ હતો કે પત્‍ની લગ્નના એક મહિના બાદથી પિયરે જતી રહી હતી. પતિના લાખ પ્રયાસો છતાં પત્‍ની પાછી નહોતી આવી. થોડા સમય બાદ તે સાથે રહી, પણ શારીરિક સંબંધ બાંધવાની ના પાડતી રહી.

પતિએ ફેમિલી કોર્ટમાં કહ્યું કે, પત્‍ની ઘણી વાર આત્‍મહત્‍યા કરવાની ધમકી આપતી હતી. પતિના જણાવ્‍યા અનુસાર, પત્‍નીએ સ્‍પષ્ટ કહ્યું હતું કે જો તેણે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી તો તે જીવ આપી દેશે. પતિએ કહ્યું કે તે વારંવાર પ્રયાસ કરતો રહ્યો, પણ પત્‍નીનો વ્‍યવહાર બદલાયો નહીં. પત્‍નીએ આ આરોપોને ફગાવી દીધા. પત્‍નીએ કહ્યું કે, પતિ સાધ્‍વીનો ભક્‍ત છે અને યોગ સાધનામાં લીન રહેતો હતો. તેણે કહ્યું કે પતિ સંતાનોની ઇચ્‍છા નથી ધરાવતો. પત્‍નીએ પતિ પર માનસિક અને શારીરિક પ્રતાડનાના આરોપ લગાવ્‍યા. પત્‍નીએ વૈવાહિક અધિકારની અરજી પણ લગાવી હતી, પણ બાદમાં તેને પાછી ખેંચી લીધી.

હાઈકોર્ટે બંને પક્ષના નિવેદન અને દસ્‍તાવેજ જોયા. કોર્ટે જાણ્‍યું કે પતિ-પત્‍ની ૨૦૧૪થી અલગ રહેતા હતા. પત્‍નીએ ક્રોસ એક્‍ઝામિનેશનમાં સ્‍વીકાર કર્યો કે તે પતિ સાથે રહેવા નથી માગતી. કોર્ટે કહ્યું કે આટલા લાંબા સમયથી અલગ રહેવું તે માનસિક ક્રૂરતા છે. કોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્‍યો. પતિને છૂટાછેડાની ડિક્રી આપી દીધી. સાથે જ પતિને બે મહિનાની અંદર પત્‍નીને ૨૦ લાખ રૂપિયા સ્‍થાયી ભરણપોષણ આપવાનો નિર્દેશ આપ્‍યો છે.

કોર્ટે કહ્યું કે, વૈવાહિક સંબંધ વિશ્વાસ, નિકટતા અને સાથે રહેવાની ઇચ્‍છા પર ટકે છે. આટલા લાંબા સમય સુધી દૂર રહેવું સંબંધને ખતમ કરી નાખે છે. હાઈકોર્ટે આ ચુકાદાને દંપતી વિવાદો સાથે જોડાયેલા કેસમાં એક મહત્ત્વનો નિર્ણય ગણાવ્‍યો. કોર્ટે સ્‍પષ્ટ કહ્યું કે, વૈવાહિક જીવનમાં પાછા આવવાની ના પાડવી, સંબંધ ન બાંધવો અને અલગ રહેવું માનસિક ક્રૂરતાની કેટેગરીમાં આવે છે. (પ્રતિકાત્‍મક તસવીર-AI)(૪૦.૪)

(10:06 AM IST)