<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

અભિનેત્રી અદિતિ મુખર્જીનું અકસ્‍માતમાં દુઃખદ અવસાન

હાલમાં આશુતોષ રાણા સાથે કરતી હતી કામઃ ભયાનક અકસ્‍માતમાં સારવાર દરમ્‍યાન મૃત્‍યું

મુંબઈ, તા.૧૯: થિયેટર અભિનેત્રી અદિતિ મુખર્જીનું માર્ગ અકસ્‍માતમાં દુઃખદ અવસાન થયું છે. તેમના મળત્‍યુથી સિનેમા જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. અદિતિ નોઈડામાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીમાં એક થિયેટર કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળી હતી, ત્‍યારે તેમની કેબને એક ઝડપી વાહને ટક્કર મારી હતી. આ દુઃખદ અકસ્‍માતમાં અદિતિ મુખર્જીના મળત્‍યુના સમાચારથી નાટય જગતમાં પણ શોકની લહેર ફેલાઈ ગઈ છે, થિયેટર કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. અદિતિ હાલમાં પ્રખ્‍યાત બોલિવૂડ અભિનેતા આશુતોષ રાણા સાથે એક થિયેટર નાટકમાં અભિનય કરી રહી હતી.

ભયાનક અકસ્‍માતમાં ગંભીર રીતે ઘાયલ અદિતિ મુખર્જીને ગ્રેટર નોઈડાની શારદા હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમના ડોકટરો તેમનો જીવ બચાવી શકયા ન હતા, અને તેમનું દુઃખદ અવસાન થયું. ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીમાં એક થિયેટર કાર્યક્રમમાં ભાગ લેવા માટે અદિતિ તેના ઘરેથી કેબમાં મુસાફરી કરી રહી હતી. અદિતિના મળત્‍યુની જાણ થતાં, થિયેટર કલાકારો શોકમાં ડૂબી ગયા અને કાર્યક્રમ દરમિયાન તેમને શ્રદ્ધાંજલિ આપી.

અરવિંદ ગૌરે તેમની પોસ્‍ટમાં જણાવ્‍યું હતું કે અદિતિ હાલમાં બોલિવૂડ અભિનેતા આશુતોષ રાણા અને રાહુલ ભુચર દ્વારા લખાયેલ નાટક હમારે રામ પર કામ કરી રહી હતી. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે અકસ્‍માતમાં અદિતિને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેનું મળત્‍યુ થયું હતું. પુત્રીના મળત્‍યુના સમાચાર સાંભળીને તેના માતાપિતા ઓડિશાથી દિલ્‍હી પહોંચ્‍યા છે. અદિતિનું અવસાન થિયેટર જગત માટે એક દુઃખદ સમાચાર છે.

 

(3:56 PM IST)