હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાનૂની વિવાદો ટાળવા મહિલાઓ મિલકતનું 'વસિયતનામું' બનાવે: સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ અપીલ, કાયદાની એક જોગવાઈ પર ઉઠાવ્યો સવાલ!
કોર્ટે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૧૫(૧)(બી)ને ટાંકીને કહ્યું – 'વસિયત' વગર મૃત્યુ થવાથી સ્વ-અર્જિત સંપત્તિ પતિના વારસદારોને જશે, જે માતાપિતા માટે સમસ્યા સર્જશે.

નવી દિલ્હી : દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે બુધવારે તમામ મહિલાઓને, ખાસ કરીને જેમના પતિ કે સંતાનો નથી, તેમને તેમના માતાપિતા અને સાસરિયાઓ વચ્ચે મિલકતને લઈને સંભવિત કાયદાકીય વિવાદો ટાળવા માટે વસિયતનામું (Will) બનાવવાની અપીલ કરી છે.
ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૧૫(૧)(બી) ને પડકારતી એક જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી દરમિયાન આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.
કલમ ૧૫(૧)(બી) શું કહે છે?: સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આજે મહિલાઓએ શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગસાહસિકતામાં જે પ્રગતિ કરી છે, તેનાથી તેઓ સ્વ-અર્જિત મિલકત ધરાવે છે. પરંતુ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૧૫(૧)(બી) મુજબ, જો કોઈ હિન્દુ મહિલા વસિયત વગર અને તેના પુત્ર, પુત્રી કે પતિની ગેરહાજરીમાં મૃત્યુ પામે છે, તો તેની સ્વ-અર્જિત મિલકત તેના પતિના વારસદારોને જ જશે, ભલે તે સંપત્તિ તેણે પોતે કમાઈ હોય.
ન્યાયમૂર્તિ નાગરત્નાએ આ સ્થિતિને સંભવિત મુશ્કેલીઓનું કારણ ગણાવ્યું, કારણ કે આનાથી મહિલાના પોતાના માતાપિતા માટે સમસ્યા ઊભી થઈ શકે છે.
સંતુલન જાળવવાનો નિર્દેશ: અરજીમાં આ જોગવાઈને મનસ્વી અને બંધારણની કલમ ૧૪, ૧૫ અને ૨૧નું ઉલ્લંઘન કરતી ગણાવીને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે અધિનિયમની જોગવાઈઓને પડકારતા કેસોની સુનાવણી કરતી વખતે સાવધાની રાખવા પર ભાર મૂક્યો અને કહ્યું કે હજારો વર્ષોથી અસ્તિત્વમાં રહેલા હિન્દુ સામાજિક માળખા અને તેના સિદ્ધાંતોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓના અધિકારો મહત્ત્વપૂર્ણ છે, પરંતુ સામાજિક માળખું અને મહિલાઓને અધિકારો આપવા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. કોર્ટે એવો નિર્દેશ પણ આપ્યો કે મિલકત વિવાદોના કેસમાં કોર્ટમાં દાખલ કરતા પહેલા પક્ષકારોએ પૂર્વ-મુકદ્દમા મધ્યસ્થી (Pre-litigation Mediation) માંથી પસાર થવું ફરજિયાત ગણાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
