હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીવનસાથી દ્વારા આત્મહત્યાની વારંવાર ધમકી ક્રૂરતાઃ બોમ્બે હાઈકોર્ટ
દંપતીનું સાથે રહેવું સંભવ નહીં હોવાનું જણાવી પત્ની દ્વારા સતત આત્મહત્યાની ધમકીના કેસમાં હાઈકોર્ટે યુવકના છૂટાછેડા મંજૂર રાખતો ઓર્ડર આપ્યો

મુંબઈ,તા.૨૦: બોમ્બે હાઈકોર્ટે યુવકને છૂટાછેડા માટે મંજૂરી આપતા ટાંક્યું કે, જીવનસાથી દ્વારા આત્મહત્યા કરવાની વારંવાર ધમકીઓ આપવી એ ક્રૂરતા છે. બોમ્બે હાઈકોર્ટના ચીફ જાસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જાસ્ટિસ ગૌતમ અંખડની બેન્ચે ગત સપ્તાહે આ મામલે ચુકાદો આપતા કહ્યું કે, જ્યારે આ પ્રકારના આચરણનું પુનરાવર્તન કરવામાં આવે છે ત્યારે અન્ય સાથી (પતિ-પત્ની) માટે વૈવાહિક સંબંધોને ટકાવી રાખવા અસંભવ બની જાય છે.
એક યુવકે તેની પત્નીને છૂટાછેડા આપવા કરેલી અરજીને ફેમિલી કોર્ટે ૨૦૧૯ના આદેશમાં ફગાવી હતી. આ ચુકાદાને પડકારતી અરજી બોમ્બે હાઈકોર્ટમાં કરાઈ હતી. યુવકે કરેલી અરજી મુજબ તેના લગ્ન ૨૦૦૬માં થયા હતા પરંતુ વારંવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હોવાથી બન્ને ૨૦૧૨થી અલગ રહે છે. યુવકે દાવો કરતા જણાવ્યું કે, હિન્દુ લગ્ન કાયદા હેઠળ ત્યાગ તથા શંકાની સાથે વારંવાર આત્મહત્યાની ધમકી અને પ્રયાસના આધારે તેના છૂટાછેડા ગ્રાહ્ય રાખવા જોઈએ. બેન્ચે આદેશમાં જણાવ્યું કે, દંપત્તી એક દાયકા કરતા વધુ સમયથી અલગ રહી રહ્યું છે અને તેમની વચ્ચે સૌહાર્દપૂર્ણ સમજૂતિ કે સમાધાન થઈ શક્યું નથી.
પતિએ ક્રૂરતાના કેટલાક બનાવોનો ઉલ્લેખ કર્યો હતો જેના પર ફેમિલી કોર્ટે વિચાર કર્યો નહતો. સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ટાંકતા બેન્ચે ઉમેર્યું કે, જીવનસાથી દ્વારા આત્મહત્યાની ધમકી આપવી એ ક્રૂરતા છે. આ પ્રકારના આચરણનું શબ્દો, સંકેતો અથવા ભાવો દ્વારા પુનરાવર્તન થાય છે તો અન્ય સાથી (પતિ-પત્ની) માટે વૈવાહિક સંબંધ ટકાવવી રાખવો અસંભવ બને છે. શંકાનો આરોપ તેમજ આત્મહત્યાનો પ્રયાસ એ પતિ પ્રત્યે પત્નીનો વ્યવહાર દર્શાવે છે તેવું કોર્ટે અવલોકન કર્યું હતું. દંપત્તી માટે હવે સાથે રહેવું સંભવ નથી અને આ જ કારણથી છૂટાછેડાનો હુકમ મંજૂર થવાને પાત્ર છે. આ પ્રકારના વૈવાહિક સંબંધોને ચાલુ રાખવાથી બંને પક્ષે ક્રૂરતા વધી શકે છે. યુવકને છૂટાછેડાનો હુકમ કરતા કોર્ટે અંતિમ સમાધાન પેટે પત્નીને રૂ. ૨૫ લાખ ચૂકવવા તથા બે ફલેટની માલિકી સોંપવા આદેશ આપ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
