<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

લોરેન્‍સ બિશ્નોઇનો ભાઈ અનમોલ બિશ્નોઈ ગુજરાતમાં પણ અનેક ગુનામાં વોન્‍ટેડ

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા અનમોલ બિશ્નોઈને રાષ્ટ્રીય એજન્‍સીઓની તપાસ બાદ ગુજરાત લવાશેઃ લોરેન્‍સ બિશ્નોઇ ઘણા લાંબા સમયથી અમદાવાદની સાબરમતી જેલમાં હાઈ સિક્‍યોરિટી ઝોનમાં બંધ છે : ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવેલા ડ્રગ્‍સ કન્‍સાઈન્‍મેન્‍ટના ઘણા કેસોમાં અનમોલ અને ગોલ્‍ડી વોન્‍ટેડ છે

નવી દિલ્‍હી,તા.૨૦: દેશની સૌથી મોટી ઓર્ગેનાઈઝ્‍ડ લોરેન્‍સ બિશ્નોઇ ગેંગનો મુખ્‍ય સૂત્રધાર અને લોરેન્‍સના ભાઈ અનમોલ બિશ્નોઇને અમેરિકા સરકારે ડિપોર્ટ કરી દીધો છે. હાલ અનમોલની કસ્‍ટડી દિલ્‍હીમાં કેન્‍દ્રીય એજન્‍સી  દ્વારા લઈને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો છે. બિશ્નોઇ ગેંગના અનમોલ અને ગોલ્‍ડી બરાર ગુજરાતના પણ ઘણા ગુનામાં વોન્‍ટેડ હોવાનું સામે આવી રહ્યું છે. જેને પગલે સેન્‍ટ્રલ એજન્‍સીઓની તપાસ પૂરી થાય પછી અનમોલને ગુજરાતમાં પણ તપાસ માટે લાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. લોરેન્‍સ બિશ્નોઇ ઘણા લાંબા સમયથી અમદાવાદની સાબરમતી જેલમાં હાઈ સિક્‍યોરિટી ઝોનમાં બંધ છે. ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવેલા ડ્રગ્‍સ કન્‍સાઈન્‍મેન્‍ટના ઘણા કેસોમાં અનમોલ અને ગોલ્‍ડી વોન્‍ટેડ છે.

છેલ્‍લા ઘણા લાંબા સમયથી ભારતમાં બિશ્નોઇ ગેંગ ભારે ચર્ચામાં છે. પંજાબના સિગર સિદ્ધુ મૂસેવાલા હત્‍યા કેસ હોય કે પછી મુંબઈના રાજકીય અગ્રણી બાબા સિદ્દીકીની હત્‍યા કેસની જવાબદારી બિશ્નોઇ ગેંગ દ્વારા લેવામાં આવી હતી. આ ઉપરાંત સલમાન ખાનની એક ફિલ્‍મના રાજસ્‍થાનમાં શૂટિગ દરમ્‍યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્‍યો હતો. જે મુદ્દે પણ બિશ્નોઇ ગેંગ સલમાનને ધમકી આપી રહી છે અને સલમાનના ઘર બહાર ફાયરિગ માટે રેકી પણ કરાવવામાં આવી હતી, જેને કારણે સલમાન ખાનની સિક્‍યોરિટી વધારી દેવામાં આવી હતી. આવા હાઈ પ્રોફાઇલ ક્રાઈમને લઈને બિશ્નોઇ ગેંગ હંમેશા સમાચારમાં રહી છે.

બિશ્નોઇ ગેંગને એટલા માટે ગંભીરતાથી લેવામાં આવી રહી છે કે તેના ૭૦૦થી વધુ શૂટર દેશભરમાં ફેલાયેલા છે. જેને લઈને બિશ્નોઇ ગેંગનું દૂષણ વધી રહ્યું છે. હાલ બિશ્નોઇ ગેંગનો મુખ્‍ય સૂત્રધાર લોરેન્‍સ બિશ્નોઇ અમદાવાદની સાબરમતી સેન્‍ટ્રલ જેલમાં છે. બીજી તરફ ગુજરાત એટીએસ દ્વારા થોડા સમય પહેલા જે ડ્રગ્‍સ કન્‍સાઈન્‍મેન્‍ટ પકડાયા હતા, તે ગુજરાતના દરિયા અને દરિયાકાંઠાનો ઉપયોગ કરીને વિદેશ પહોંચાડવાના હતા. તે કન્‍સાઈન્‍મેન્‍ટની હેરાફેરીમાં પણ બિશ્નોઇ ગેંગના ગોલ્‍ડી બરાર અને અનમોલની સંડોવણી સામે આવી હતી. લોરેન્‍સ દિલ્‍હીની જેલમાં બેઠા બેઠા કોઈ પણ ઓપરેશન પાર પાડતો હતો. તે જેલમાંથી જ કામની જવાબદારી અનમોલ કે ગોલ્‍ડીને સોંપતો હતો અને કામ થઈ ગયા બાદ બિશ્નોઇ ગેંગ દ્વારા જે તે ગુનાખોરીની જવાબદારી પણ સોશિયલ મીડિયા પર સ્‍વીકારવામાં આવતી હતી, જેને લઈને ગેંગ સતત સમાચાર માધ્‍યમમાં ચર્ચામાં રહેતી હતી.

અમદાવાદના પૂર્વ વિસ્‍તારમાં પણ કેટલાક અસામાજિક તત્ત્વો પોતે બિશ્નોઇ ગેંગ માટે કામ કરતા હોવાની વાતો કરતા હતા. જોકે પોલીસે તેમને પાઠ ભણાવતા તેઓ લાઇન પર આવી ગયા હોવાનું જાણી શકાયું છે. જોકે હાલ અમદાવાદ પોલીસ દ્વારા ઓર્ગેનાઈઝ્‍ડ ગેંગ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ખાસ ઉલ્‍લેખનીય છે કે થોડા સમય પહેલા જ દક્ષિણ ગુજરાતના નવસારીમાંથી હથિયાર સાથે ઝડપાયેલા ચાર ગુનેગારોએ પોલીસ પર ફાયરિગ કર્યું હતું. જોકે આ ગુનેગારો બિશ્નોઇ ગેંગના સાગરિત હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ પોલીસે આ વાતને કોઈ સમર્થન આપ્‍યું નહોતું.

(9:53 AM IST)