<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધની અણી પર હતા, મેં ૩૫૦ ટકા ટેક્સની ધમકી આપીને કરોડો લોકોના જીવ બચાવ્યા: ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એકવાર દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અને મે ૨૦૨૫માં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિ અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. 

ટ્રમ્પે કહ્યું છે કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધ કરવા માટે સંપૂર્ણ તૈયાર હતા, પરંતુ તેમણે બંને દેશો પર ૩૫૦ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી એટલે કે આયાત વેરો નાખવાની ધમકી આપીને આ વિનાશક યુદ્ધ અટકાવ્યું હતું. ટ્રમ્પના મતે તેમની મધ્યસ્થીને કારણે લાખો લોકોના જીવ બચ્યા છે.

બુધવારે આયોજિત યુએસ-સાઉદી ઈન્વેસ્ટમેન્ટ ફોરમમાં બોલતા ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમને ફોન કરીને આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તમે લાખો લોકોના જીવ બચાવી લીધા છે. 

ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ફોન આવ્યો હતો. મોદીએ તેમને જણાવ્યું હતું કે અમે હવે યુદ્ધ નથી કરવાના, અમે અટકી ગયા છીએ.

ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જ્યારે બંને દેશો પરમાણુ હથિયારો સાથે લડવા માટે તૈયાર હતા, ત્યારે મેં તેમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ઠીક છે, તમે યુદ્ધ કરી શકો છો, પરંતુ હું તમારા બંને દેશો પર ૩૫૦ ટકા ટેરિફ લગાવી દઈશ. એટલું જ નહીં, અમેરિકા તમારી સાથે કોઈ પણ પ્રકારનો વ્યાપાર કરશે નહીં. આ આર્થિક નાકાબંધીની ચેતવણી બાદ બંને દેશો શસ્ત્રવિરામ માટે સંમત થયા હતા.

આ ઘટનાના સંદર્ભમાં વિગતો જોઈએ તો, મે ૨૦૨૫માં પહલગામમાં થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કર્યું હતું. ૭ મેના રોજ શરૂ થયેલા આ ઓપરેશન દરમિયાન ભારતીય દળોએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. ભારે તણાવ બાદ ૧૦ મેના રોજ બંને દેશો યુદ્ધવિરામ માટે રાજી થયા હતા.

આ પહેલાં પણ ૨૯ ઓક્ટોબરે દક્ષિણ કોરિયામાં યોજાયેલી એપેક સીઈઓ સમિટ દરમિયાન ટ્રમ્પે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, તે સમયે તેમણે ૨૫૦ ટકા ટેરિફ લગાવવાની વાત કરી હતી. તે સમયે ટ્રમ્પે પાકિસ્તાની સેનાધ્યક્ષ આસીમ મુનીરના વખાણ કરતા તેમને એક શાનદાર લડાયક ગણાવ્યા હતા. ટ્રમ્પના આ નિવેદનો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યા છે, જેમાં તેઓ દાવો કરે છે કે જ્યારે બંને દેશો લડી રહ્યા હતા ત્યારે તેમણે યુદ્ધ રોકવા કહ્યું હતું પરંતુ શરૂઆતમાં બંને પક્ષોએ ના પાડી હતી, જે પાછળથી આર્થિક પ્રતિબંધોના ડરથી માની ગયા હતા.

 

(11:55 PM IST)