હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારમાં ભાજપનું મોટું ઓપરેશન: નવી સરકારમાં ડેપ્યુટી સીએમ રેણુ દેવી સહિત ૧૪ દિગ્ગજ પ્રધાનોનું પત્તું કપાયું: મંચ નીચે બેસવાનો વારો આવ્યો
ભાજપે નવા ચહેરાઓને તક આપવા, જ્ઞાતિ સમીકરણો સંતુલિત કરવા અને ૨૦૨૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમૂલ પરિવર્તન કર્યું

પટના: બિહારમાં ગુરુવારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એનડીએ સરકારનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જોકે, આ સમારોહમાં આનંદના વાતાવરણ વચ્ચે ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ માટે નિરાશા પણ જોવા મળી હતી. પક્ષે એક મોટું અને આકરું પગલું ભરીને નવી સરકારમાં ૧૪ જેટલા દિગ્ગજ મંત્રીઓની બાદબાકી કરી નાખી છે.
કોનું પત્તું કપાયું? ભાજપના ક્વોટામાંથી જે મોટા નામોને નવી કેબિનેટમાં સ્થાન નથી મળ્યું તેમાં સૌથી ચોંકાવનારું નામ પૂર્વ નાયબ મુખ્યમંત્રી રેણુ દેવીનું છે. તેમના ઉપરાંત ઉદ્યોગ વિભાગ સંભાળતા નીતિશ મિશ્રા અને વરિષ્ઠ નેતા પ્રેમ કુમારને પણ આ વખતે મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા નથી. પક્ષના આ નિર્ણયને કારણે શપથ ગ્રહણ સમયે એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું; આ તમામ ધુરંધર નેતાઓ, જેઓ અત્યાર સુધી મંચ પર શોભતા હતા, તેઓ મંચની નીચે સામાન્ય ધારાસભ્યો માટેની હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા.
વિધાન પરિષદના સભ્યોની પણ બાદબાકી: વિધાન પરિષદ (એમએલસી) કોટામાંથી મંત્રી બનેલા નેતાઓને પણ પડતા મૂકવામાં આવ્યા છે. જેમાં પૂર્વ શ્રમ સંસાધન મંત્રી સંતોષ સિંહ, પછાત અને અતિ પછાત વર્ગ કલ્યાણ મંત્રી હરિ સહની અને અનુસૂચિત જાતિ-જનજાતિ મંત્રી જનક રામનો સમાવેશ થાય છે. આ ત્રણેય નેતાઓને નવી સરકારમાં સ્થાન મળ્યું નથી.
અન્ય પ્રમુખ નેતાઓ જે મંત્રીપદ ગુમાવી બેઠા: મંત્રીમંડળમાંથી બહાર થયેલા અન્ય મહત્વના નામોમાં જાલે બેઠક પરથી જીતેલા પૂર્વ નગર વિકાસ મંત્રી જીવેશ મિશ્રા અને પૂર્વ મહેસૂલ મંત્રી સંજય સરાવગીનો સમાવેશ થાય છે. કુઢની બેઠક પરથી ચૂંટાયેલા પૂર્વ પંચાયતી રાજ મંત્રી કેદાર પ્રસાદ ગુપ્તા અને સાહેબગંજમાં પ્રભુત્વ ધરાવતા પૂર્વ પર્યટન મંત્રી રાજુ કુમાર સિંહને પણ આ વખતે તક આપવામાં આવી નથી.
આ ઉપરાંત, અમનોરથી જીતેલા પૂર્વ માહિતી અને ટેકનોલોજી મંત્રી કૃષ્ણ કુમાર મન્ટુ, બિહાર શરીફના ધારાસભ્ય અને પૂર્વ પર્યાવરણ મંત્રી ડો. સુનીલ કુમાર, તેમજ છાતાપુરના ધારાસભ્ય નીરજ સિંહ બબલુને પણ નવી કેબિનેટથી દૂર રાખવામાં આવ્યા છે. પૂર્વ શેરડી ઉદ્યોગ મંત્રી કૃષ્ણનંદન પાસવાન પણ નિરાશ થયા છે. ઉલ્લેખનીય છે કે મોતીલાલ પ્રસાદની ટિકિટ તો ચૂંટણી પહેલાં જ કાપી નાખવામાં આવી હતી.
રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપે નવા ચહેરાઓને તક આપવા, જ્ઞાતિ સમીકરણો સંતુલિત કરવા અને ૨૦૨૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ આમૂલ પરિવર્તન કર્યું છે.
ટૂંકમાં જોઈએ તો.. એનડીએની નવી સરકારમાં ભાજપ કોટાના ૧૪ જૂના જોગીઓને પડતા મૂકાયા, અનેક ચોંકાવનારા નામો સામેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી રેણુ દેવી, પ્રેમ કુમાર અને નીતિશ મિશ્રા જેવા કદાવર નેતાઓ મંત્રીમંડળમાંથી બહાર ફેંકાયા, તો ગાંધી મેદાનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં આ પૂર્વ મંત્રીઓ મંચ પર સ્થાન ન મળતા ધારાસભ્યોની હરોળમાં બેઠેલા જોવા મળ્યા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
